ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ આતંકીઓ અને તેમના આકાઓને હચમચાવી નાંખ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાન ભારતે કરેલી કાર્યવાહીથી ડરેલું છે અને તેમના રક્ષામંત્રીએ સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. જેના કારણે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોના સીમાડાઓ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ડીજીપી ઓફિસ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
આ પહેલા ઓપરેશન સિંદૂર બાદ તમામ અર્ધસૈનિક દળોની રજાઓ રદ્દ કરવામાં આવી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે તમામ અર્ધ સૈનિક દળોના ડીજીને બોર્ડર પર એલરટ રહેવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ઈન્ટરનેશનલ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તમામ અર્ધલશ્કરી દળોની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે BSF, CRPF, ITBP, SSB અને CISF જેવા તમામ મુખ્ય અર્ધલશ્કરી દળોના જવાનો સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર હાજર રહેવા આદેશ આપ્યો હતો. સરહદી વિસ્તારોમાં વધારાની તૈનાતી કરવામાં આવી હતી અને ગુપ્ત માહિતીના આધારે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
