અમદાવાદ: કર્ણાવતી ક્લબ ખાતે પ્રકાશન કંપની ટીબુક્સ વેન્ચર્સ એલ.એલ.પી. દ્વારા યુવા કવયિત્રી ઇશા શાહના કાવ્યસંગ્રહ “અંતરના આંગણેથી”નું વિમોચન કરવામાં આવ્યું.આ પ્રસંગે ઇશાબેનના શિક્ષકગણ – ભારતીબેન, વશરામભાઈ અને પ્રફુલભાઇ – વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેઓએ ઇશાબેનની સર્જનાત્મક યાત્રાના આરંભથી જ તેમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે. અનેક મહેમાનો, સાહિત્યપ્રેમીઓ અને ઈશાબેનના સાથીઓએ આ વિમોચન સમારંભમાં હાજરી આપી.
“અંતરના આંગણેથી” એ હૃદયસ્પર્શી અને આત્મમંથનથી પિગળેલા વિચારોનું કાવ્યરૂપ છે. ઈશાબેનની કાવ્યયાત્રાની પ્રેરણા તેમના પિતા બન્યા – જેઓ તાત્કાલિક છંદ રચવામાં પારંગત હતા અને શબ્દો પ્રત્યે ખાસ પ્રેમ ધરાવતા. એક પેન્સિલ અને એક વિચારમાંથી શરૂ થયેલું લખાણ હવે ઇશાબેન માટે જીવનસાથી બની ચૂક્યું છે. આ પુસ્તકની કવિતાઓમાં વ્યક્તિગત વૃદ્ધિ, ભાવનાત્મક પરિપક્વતા અને આત્મઅભિવ્યક્તિ દ્વારા આનંદ શોધવાનો સંદેશ છે. આ કાવ્યસંગ્રહ સરળ ભાષામાં લખાયો છે, પરંતુ તેનું ઊંડાણ વાંચકના હૃદયને સ્પર્શે છે.
