લોકસભાની ચૂંટણીના રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના રોજ રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ અને બહેનો હાજર રહેવાના છે. ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો હાજર રહે તે માટે રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરી બસો અને એક હજારથી વધુ ગાડીઓમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ સંમેલનમાં પહોંચશે.
અમદાવાદથી 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ પહોંચશે
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ પહોંચશે.શનિવારે રાત સુધીમાં તમામ લોકોને ક્યાંથી બસ ઉપડશે તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે.ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન માટેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી લક્ઝરી બસો અને ગાડીઓ લઈને પહોંચનારા ભાઈઓ અને બહેનોને પોલીસ દ્વારા કોઈપણ કારણો આગળ ધરી અને સંમેલન સુધી ન પહોંચવા દેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી શકે તેવી શક્યતા રાજપૂત સંકલન સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેથી સંકલન સમિતિ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, તેને ધ્યાનમાં રાખી અને સમયસર સંમેલનમાં પહોંચવા જણાવ્યું છે.
રાજપૂત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલી કેટલીક સૂચનાઓ
- કાર અને બસોને વ્યવસ્થિત પાર્ક કરી કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે સહયોગ આપવો
- સંમેલન સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલી બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી.
- સંપૂર્ણ કાર્યક્રમને તમારા FACEBOOK/YOUTUBE પર live કરવો
- મીડિયામાં બાઇટ નહીં આપવી, રસ્તામાં કોઈપણ સ્થળે નારાબાજી કરવી નહીં
- ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં તકરારમાં ઉતરવું નહીં
- રસ્તામાં સરકારી વ્યવસ્થા માટેની પોલીસ ટીમને સહયોગ કરવો
- કોઈ જગ્યા પર ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં
- જે બસમાં આપ આવતા હોય એ બસના 2 ભાઈને જવાબદારી આપવી
- બસમાં બેઠેલા દરેક પાસે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો
- સ્ટીકર/બેનર આપની કાર અને બસના આગળ અથવા પાછળ ફરજીયાત લગાવવા
- સંમેલનમાં આવનારા દરેક વ્યક્તિએ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું
- કાર અથવા બસમાં કોઈ રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ રાખવી નહીં