જાણો દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તા કોણ છે?

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલયમાં પાર્ટી વિધાનસભા પક્ષની બેઠક બાદ તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં નિરીક્ષક તરીકે હાજર રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા રવિશંકર પ્રસાદે પત્રકારો સમક્ષ રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી અને કહ્યું, “પ્રવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય અને વિજેન્દ્ર ગુપ્તાએ રેખાના નામનો પ્રસ્તાવ મૂક્યો. નવ લોકોએ તેમના નામને મંજૂરી આપી. હવે આપણે બધા રાજભવન જઈ રહ્યા છીએ.”

રેખા ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વીરેન્દ્ર સચદેવા, રવિશંકર પ્રસાદ અને તમામ કાર્યકરોનો આભાર માનું છું. હું મારા બધા ધારાસભ્યોનો આભાર માનું છું.” રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા. તેમના પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી આ પદ સંભાળી ચૂક્યા છે.

કોણ છે રેખા ગુપ્તા?

તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, તેમણે શાલીમાર બાગ બેઠક પરથી આમ આદમી પાર્ટીના બંદના કુમારીને લગભગ 30 હજાર મતોથી હરાવ્યા. ૨૦૨૦ની ચૂંટણીમાં એ આ જ બેઠક પરથી ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગયા હતા. રેખા ગુપ્તા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર અને દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દિલ્હી ચૂંટણીમાં જીત બાદ, મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં રહેલા નામોમાં રેખા ગુપ્તાનું નામ પણ સામેલ હતું. ઘણા વિશ્લેષકોના મતે, રેખા ગુપ્તાની જાહેરાત દ્વારા ભાજપ મહિલાઓ અને વૈશ્ય સમુદાયને આકર્ષિત કરી શકે છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૬માં, તે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ના પ્રમુખ બન્યા. ૨૦૦૭ માં, તે દિલ્હીના પિતામપુરા (ઉત્તર) ના કાઉન્સિલર બન્યા. રેખા ગુપ્તા દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ૨૦૦૪ થી ૨૦૦૬ સુધી, તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ હતા.

અંગત જીવન

એમનો જન્મ ૧૯૭૪માં હરિયાણાના જીંદ જિલ્લાના જુલાનામાં થયો હતો. તે બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા. તેણીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ અને એલએલબી કર્યું. ૧૯૯૮માં, તેણીએ દિલ્હીના રહેવાસી મનીષ ગુપ્તા સાથે લગ્ન કર્યા. ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા તેમના સોગંદનામા મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં તેમની કુલ આવક 6,92,050 રૂપિયા દર્શાવવામાં આવી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન, તેમના પતિ મનીષ ગુપ્તાની આવક ૯૭,૩૩,૫૭૦ રૂપિયા હોવાનું જણાવાયું છે.

રેખા ગુપ્તાને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીએ પણ અભિનંદન પાઠવ્યા છે.

દિલ્લીના મુખ્યમંત્રી (1952 થી અત્યાર સુધી)

  • બ્રહ્મ પ્રકાશ, કોંગ્રેસ – 1952-55
  • ગુરમુખ નિહાલ સિંહ, કોંગ્રેસ – 1955-56
  • મદનલાલ ખુરાના, ભારતીય જનતા પાર્ટી (BJP) – 1993-96
  • સાહિબ સિંહ વર્મા, ભારતીય જનતા પાર્ટી (BJP) – 1996-98
  • સુષમા સ્વરાજ, ભારતીય જનતા પાર્ટી (BJP) – 1998
  • શીલા દીક્ષિત, કોંગ્રેસ – 1998-2003
  • શીલા દીક્ષિત, કોંગ્રેસ – 2003-08
  • શીલા દીક્ષિત, કોંગ્રેસ – 2008-13
  • અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી (AAP) – 2013-14
  • અરવિંદ કેજરીવાલ, આમ આમ આદમી પાર્ટી (AAP) – 2015-20
  • અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી (AAP) – 2020-24
  • આતિશી, આમ આદમી પાર્ટી (AAP) – 2024-25
  • રેખા ગુપ્તા, ભારતીય જનતા પાર્ટી (BJP) – 2025 થી આગળ…

કોણે શું કહ્યું ?

આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ કહ્યું છે કે તેઓ દિલ્હીના વિકાસ માટે નવા મુખ્યમંત્રીને સંપૂર્ણ સમર્થન આપશે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “રેખા ગુપ્તાજીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને આશા છે કે તેઓ દિલ્હીના લોકોને આપેલા બધા વચનો પૂરા કરશે. અમે દિલ્હીના લોકોના વિકાસ અને કલ્યાણ માટેના દરેક કાર્યમાં તેમનું સમર્થન કરીશું.”

આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “રેખા ગુપ્તાજીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન. ખુશીની વાત છે કે દિલ્હીનું નેતૃત્વ એક મહિલા કરશે. મને આશા છે કે દિલ્હીના લોકોને આપેલા વચનો પૂરા થશે. દિલ્હીના વિકાસ માટે તમને આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો મળશે.” ભાજપના સાંસદ મનોજ તિવારીએ એ કહ્યું કે, “મહિલાઓનું સન્માન ભાજપ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. રેખા ગુપ્તાને ધારાસભ્ય દળના નેતા બનવા અને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.”

ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે તેમને અભિનંદન આપતા કહ્યું, “રેખાજીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને ખબર છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં રેખાજી દિલ્હીમાં વિકાસનો એક અધ્યાય શરૂ કરશે.”