કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન

અમદાવાદઃ રાજ્યના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતાં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદમાં ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા, કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જેમાં હજારો કલાકારો તાલીમ લઇ ચૂક્યા છે.

કુમુદિની લાખિયાની જન્મ 17 મે 1930એ થયો હતો. તેમણે સાત વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનાના સોહનલાલ પાસેથી કથકની તાલીમ લેવાની શરૂ કરી હતી. આ પછી તમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી. તેમનાં માતા લીલા શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમનાં માતાએ તેમને રાધેલાલ મિશ્રા હેઠળ તાલીમ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમને લાહોરમાં શાળાકીય શિક્ષણ અને અલાહાબાદમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો.કુમુદિની લાખિયાએ રામ ગોપાલ સાથે નૃત્ય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પશ્ચિમના દેશોના પ્રવાસે ગયા હતા, આ દરમિયાન તેમણે ભારતીય નૃત્યને વિદેશમાં પ્રખ્યાત કર્યું હતું, ત્યાર બાદ તેમણે કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

તેમની કેટલીક સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (વ્હેર નાઉ?)નો સમાવેશ થાય છે. તેમણે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981) ફિલ્મમાં ગોપી કૃષ્ણ સાથે કોરિયોગ્રાફર પણ હતી.