ભારત વિભાજન માટે જિન્ના, કોંગ્રેસ જવાબદારઃ NCERTનું નવું મોડ્યુલ

નવી દિલ્હીઃ ભારતને 15 ઓગસ્ટ, 1947એ આઝાદી મળી હતી, પરંતુ આ આઝાદી સાથે થયું હતું વિભાજન. વિભાજન દરમિયાન થયેલી હત્યાઓ અને લૂંટની ઘટનાઓએ બંને તરફના કરોડો લોકોને માત્ર અસર જ કરી નહોતી, પરંતુ તેમનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું હતું. આ વિભાજનની આ ભયાનકતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસે એક નવું મોડ્યુલ જાહેર કર્યું છે, જેમાં વિભાજન માટે જવાબદાર વ્યક્તિઓના વિષયમાં જણાવવામાં આવ્યું છે.

 NCERTનું નવું મોડ્યુલ?

આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર થયું છે જ્યારે વિભાજનની ભયાનકતા અંગે સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે. NCERTનું નવું મોડ્યુલ ભારત વિભાજન માટે ઇતિહાસની ત્રણ મોટી વ્યક્તિઓને જવાબદાર ગણે છે:

  1. પાકિસ્તાનના જનક ગણાતા મોહમ્મદ અલી જિન્ના
  2. કોંગ્રેસ
  3. લોર્ડ માઉન્ટબેટન

NCERTના મોડ્યુલ અનુસાર મોહમ્મદ અલી જિન્નાની અલગ દેશ પાકિસ્તાન બનાવવાની માગણી સામે કોંગ્રેસ પાર્ટીએ ઝૂકવું સ્વીકારી લીધું અને ત્યાર બાદ લોર્ડ માઉન્ટબેટને વિભાજનની આખી પ્રક્રિયા બહુ જલદી પૂરી કરી લીધી હતી.

શું ભારતનું વિભાજન જરૂરી હતું?

NCERTના નવા મોડ્યુલમાં આ પ્રશ્ન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે શું ભારતનું વિભાજન કરીને નવો દેશ પાકિસ્તાન બનાવવો જરૂરી હતો? મોડ્યુલ કહે છે કે તે પરિસ્થિતિમાં ભારતનું વિભાજન જરૂરી નહોતું, પરંતુ ખોટા વિચારો અને પરિસ્થિતિઓને કારણે આ વિભાજન થયું. જિન્નાની પાકિસ્તાનની જીદ સામે કોંગ્રેસે ઝૂકીને તેને સ્વીકાર્યું અને દેશને ગૃહયુદ્ધથી બચાવવાનો શાંતિપૂર્ણ રસ્તો ગણાવ્યો. જોકે આ વિભાજનનો મહાત્મા ગાંધીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

NCERT દ્વારા 14 ઓગસ્ટે જાહેર કરાયેલું વિશેષ મોડ્યુલ

NCERTSએ Partition Horrors Remembrance Day (વિભાજન ભયાનકતા સ્મૃતિ દિવસ) 14 ઓગસ્ટે જાહેર કર્યો હતો. તેના અનુસાર 1947માં થયેલા ભારત-પાકિસ્તાન વિભાજનનો પ્રભાવ માત્ર તે સમય સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ આજના સમયમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. તેમાં પાકિસ્તાન સાથેના બગડેલા સંબંધો, પીઓકે વિવાદ અને રક્ષણ બજેટમાં થતા વધારો મુખ્ય રૂપે જોવા મળે છે.