‘જેહાદ જ છે અમારી નીતિ, અમારા જનરલ પણ જિહાદી છેઃ પાકિસ્તાની આર્મી

ઇસ્લામાબાદ: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે પાકિસ્તાની સેના તરફથી એક એવું નિવેદન સામે આવ્યું છે જે ઘણું ચોંકાવનારું  છે. પાક સેના એ ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે કે તેમનો મુખ્ય સિદ્ધાંત જેહાદ છે. પાકિસ્તાની સેનાએ ફરીથી પોતાનો જૂનો સિદ્ધાંત દોહાવરાતાં જણાવ્યું હતું કે જેહાદ જ અમારી નીતિ છે અને અમારા જનરલ પણ જેહાદી છે.

પાકિસ્તાની સેનાએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાનું સત્તાવાર સૂત્ર છે – ईमान, तक़वा, जिहाद फ़ि-सबीलिल्लाह (ઈશ્વરને નામે શ્રદ્ધા, ધર્મનિષ્ઠા અને સંઘર્ષ) છે. જનરલ જિયા ઉલ હકના રાષ્ટ્રપતિ પદના સમય દરમિયાન આ સૂત્રને બદલીને ‘ઇત્તેહાદ, યકીન, તનઝીમ’ (એકતા, વિશ્વાસ, અનુશાસન) કરવામાં આવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટેન્શનને દૂર કરવા માટે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી બંને દેશોના સરહદ વિસ્તારોમાં શાંતિ છે અને ગઈ રાતે પણ કોઈ હુમલો થયો નહોતો. આજે બપોરે 12 વાગ્યે બંને દેશોના DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચે વાતચીત થવાની હતી, પણ અમુક કારણસર તે વાતચીત ટળી ગઈ છે. હવે આ DGMO લેવલની વાતચીત આજે સાંજે થશે.

કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું અને પાકિસ્તાનની અંદર આવેલા આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યાં હતાં. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સામાં આવી ગયું અને સરહદી વિસ્તારમાં ગોળીબાર શરૂ કરી દીધો.

જોકે ભારતીય સેનાએ પાકિસ્તાની હુમલાઓનો સફળતાપૂર્વક જવાબ આપ્યો અને તેના 11 એરબેસ નષ્ટ કરી દીધાં હતાં. પાકિસ્તાનને થયેલા ભારે નુકસાનથી તે બેચેન થઇ ગયું. ત્યાર બાદ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી હતી અને હાલ સરહદ પર શાંતિ છે.