જમ્મુ કાશ્મીર: સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ ફરી એકવાર સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આર્મીના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે કુપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સરહદ પારથી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. હજુ પણ સ્થળ પર ઓપરેશન ચાલુ છે. દરમિયાન કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

16 લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા

આ મામલાને લઈને ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે સેના અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાંથી ઘૂસણખોરી માટે વારંવાર પ્રયાસો કરવામાં આવે છે. નિયંત્રણ રેખા પર લગભગ 16 લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા છે. સેના અને પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આતંકવાદીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આગામી દિવસોમાં તેમની સંખ્યા વધુ ઘટશે.