કતરની અદાલતે 8 ભારતીયોને મોતની સજા ફરમાવી; ભારત સરકાર આઘાતમાં

નવી દિલ્હીઃ કતર દેશની એક અદાલતે દોહામાં અટકમાં લેવામાં આવેલા નૌકાદળના ભૂતપૂર્વ આઠ અધિકારીઓને મોતની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે. આ સમાચાર ભારતના વિદેશ મંત્રાલયે આપ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે, કતરની કોર્ટના આ ચુકાદાથી તેને ઘેરો આઘાત લાગ્યો છે. સરકાર વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહી છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અમને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, કતરની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટન્સ દ્વારા અલ દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સાંકળતા એક કેસમાં આજે ચુકાદો આપ્યો છે. અમને એ જાણીને ઊંડો આઘાત લાગ્યો છે કે ભારતીયોને મોતની સજા ફરમાવવામાં આવી છે. અમે વિગતવાર ચુકાદો મળવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે આઠ ભારતીયોનાં પરિવારજનોનાં અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ. અમે તમામ કાનૂની વિકલ્પો ચકાસી રહ્યા છીએ. આ મામલો આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. અમે તેની પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે તમામ રાજદ્વારી અને કાનૂની સહાયતા મેળવવાનું ચાલુ રાખીશું. અમે આ ચુકાદાનો મુદ્દો કતરના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવીશું.

આઠ ભારતીય નાગરિકોને 2022ના ઓક્ટોબરથી કતરમાં જેલમાં પૂરવામાં આવ્યા છે. તેમની પર આરોપ છે કે તેઓ એક સબમરીન કાર્યક્રમ ઉપર કથિતપણે જાસૂસી કરતા હતા. આઠેય ભારતીય નાગરિકો કતરમાંની ભારતીય દૂતાવાસની મદદ મેળવી શકે એ માટે ભારત સરકારે તમામ આવશ્યક મંજૂરી આપી છે. તેમજ આ ભારતીયોને મુક્ત કરવામાં આવે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. નૌકાદળના અધિકારીઓમાંના એકની બહેન મીતૂ ભાર્ગવ, જે ગ્વાલિયરમાં રહે છે, તેમણે એમનાં ભાઈને સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકારની મદદ માગી હતી. મીતૂ ભાર્ગવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.