શું ભાજપ, એકનાથ શિંદે વચ્ચે બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને શિવસેનાપ્રમુખ એકનાથ શિંદે છેલ્લા મહિને બે વખત ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા છે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જીત મળ્યા પછીથી શિંદે એક ડઝનથી વધુ વખત અમિત શાહને મળી ચૂક્યા છે. ગયા મહિને જ તેમણે બે વખત મુલાકાત કરી હતી. બુધવારે શિંદે ફરી શાહને મળ્યા, રાજ્ય BJP પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ દ્વારા તેમના નેતાઓને પોતાની તરફ ખેંચવાના આક્રમક પ્રયત્નો અંગે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી — ખાસ કરીને કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં, જે તેમના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેનો ગઢ છે.

શિંદેની પોતાની પાર્ટી અને રાજ્ય BJP વચ્ચેની સમસ્યાઓ વચ્ચે દિલ્હીના સતત પ્રવાસો અને ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથેની બેઠકો તેમને મુશ્કેલીમાં મૂકી રહી છે અને નેતા તરીકે તેમની છબીને અસર પહોંચાડી રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વે શિંદેના મંત્રીઓ કેબિનેટ મીટિંગમાં હાજર ન રહેવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ મુદ્દાઓ ઉઠાવવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમને ધ્યાન રાખવું પડશે કે CM દેવેન્‍દ્ર ફડણવીસ અને ચવ્હાણ માત્ર ભાજપના હિતમાં જ કામ કરી રહ્યા છે.

વિપક્ષના નિશાન પર એકનાથ શિંદે

આ મુલાકાત તેમના મંત્રીઓ દ્વારા સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં હાજર ન રહેવાના એક દિવસ પછી થઈ હતી, જેને કારણે શિંદે વિપક્ષના નિશાન પર આવી ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતોને બાબા મને બચાવો તરીકે ગણાવી હતી. એ દરમિયાન અટકળોને અંત આપતાં એકનાથ શિંદેએ ગુરુવારે મિડિયાને કહ્યું કે બધું ઠીક છે. તેમણે જણાવ્યું હતું  કે અમે મહાયુતિના બેનર હેઠળ (સ્થાનિક સ્વરાજ્ય) ચૂંટણી લડી રહ્યા છીએ.

ભાજપની સ્પષ્ટતા

ભાજપ મંત્રી ચંદ્રશેખર બવનકુલે કહ્યું હતું કે ગઠબંધન સાથીઓને મળવામાં કોઈ ખોટ નથી. જોકે ભાજપના કેટલાક નેતાઓ પર ભાર મૂક્યો છે કે શિંદે-શાહની સતત બેઠક દર્શાવે છે કે પાર્ટી તેના ગઠબંધન સાથીને મહત્વ આપે છે અને તેમની ચિંતાઓ સાંભળવા તૈયાર છે.