શું ચીની રાષ્ટ્રપતિ સત્તા છોડી રહ્યા છે?

બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલ 72 વર્ષની ઉંમરના છે, તેમણે 6 જુલાઈ 2025એ બ્રાઝિલના રિયો ડી જાનેરિયોમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો નથી. 2012માં સત્તા સંભાળ્યા પછી આ પહેલી જ વાર છે કે તેઓ શિખર સંમેલનમાં હાજર રહ્યા નથી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આનું કારણ “શેડ્યૂલ કૉન્ફ્લિક્ટ” છે. તેમને સ્થાને પ્રીમિયર લી કિયાંગે ભાગ લીધો. આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે, તો શું શી હવે સત્તા છોડી રહ્યા છે?

આની પાછળ અનેક સંભવિત કારણો  છે
પ્રથમ, ચીનની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. મે 2025માં ઔદ્યોગિક નફો 9.1 ટકા ઘટ્યો હતો, રિયલ એસ્ટેટ બજાર નબળું છે અને અમેરિકાની સાથે વેપાર સંકટ વધી રહ્યું છે. શક્ય છે કે શી ઘરેલુ મુદ્દાઓ અને 2025ના અંતમાં યોજાનારી મહત્વની રાજકીય બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય.
બીજું, કેટલાક નિષ્ણાતો જેમ કે ગોર્ડન ચાંગ માને છે કે શીનું લશ્કરી નિયંત્રણ નબળું પડી રહ્યું છે અથવા તેમની સામે નાગરિક પ્રતિસ્પર્ધીઓ મજબૂત થઈ રહ્યા છે. તાજેતરમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નિયમોમાં થયેલા ફેરફારથી સત્તા હસ્તાંતરણ અંગેની અટકળો તેજ થઈ છે.

ત્રીજું, BRICS સમૂહમાં નવા સભ્યો – ઈજિપ્ત, ઈરાન, સાઉદી અરેબિયા અને અન્યના જોડાવાથી વિચારો અને વ્યૂહાત્મક મતભેદો ઊભા થયા છે. શીએ કદાચ ઓછા અસરકારક સંમેલનથી દૂર રહેવાનું પસંદ કર્યું હશે.

ચોથું, બ્રાઝિલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ ભોજનનું આમંત્રણ આપ્યું હતું, જેને કારણે શીને એવું લાગી શકે કે તેમનું મહત્વ ઘટી રહ્યું છે. તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સાથે તેમની મુલાકાત થઈ હતી, જેને કારણે આ યાત્રાની જરૂરત ઘટી ગઈ હશે.

સોશિયલ મિડિયા પર શીની તબિયત ખરાબ હોવાની કે તેઓ સત્તા છોડવા જઈ રહ્યા હોવાની અટકળો ફેલાઈ છે, પરંતુ તેનો કોઇ મજબૂત પુરાવો નથી.