સુરક્ષિત દેશની નાગરિકતા લેતાં લલિત મોદીને પરત લાવવો મુશ્કેલ?

નવી દિલ્હીઃ IPLના પૂર્વ ચેરમેન અને ભારતથી ભાગીને યુકેમાં શરણ લેનારા લલિત મોદીએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે લંડનમાં ઈન્ડિયન હાઈ કમિશનમાં અરજી કરી છે. લલિત મોદીએ પ્રશાંત મહાસાગરમાં આવેલા એક ટાપુ દેશ વનુઆતુની નાગરિકતા લઈ લીધી છે. ભારતીય તપાસ એજન્સીઓએ લલિત મોદીને આર્થિક અપરાધી જાહેર કર્યો છે અને બ્રિટનથી તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. જોકે હવે તેણે સૌથી સુરક્ષિત દેશ વનુઆતુની નાગરિકતા લઈ લેતાં તેને ભારત પાછા લાવવાનું લગભગ અશક્ય જેવું થઈ ગયું છે.

લલિત મોદીએ જે દેશની નાગરિકતા લીધી છે તે વાનુઅતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં આવેલો માત્ર ત્રણ લાખની વસ્તી ધરાવતો દેશ છે. વાનુઆતુ એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પોતાની નાગરિકતા વેચે છે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ઈમિગ્રેશન પ્લાન મુજબ 1.55 લાખ યુએસ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરીને વાનુઆતુની નાગરિકતા મેળવી શકાય છે. આ ઉપરાંત આ દેશ ડ્યુઅલ સિટિઝનશિપ પણ આપે છે.

ભારતમાં આર્થિક અપરાધ કરી વિદેશ ભાગી જનારા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા અન્ય ઉદ્યોગપતિઓને પણ પાછા લાવવાના પ્રયાસોનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે હવે લલિત મોદીએ વાનુઅતુની નાગરિકતા લઈ લેતાં તેને પાછા લાવવામાં સફળતા મળવાની હવે શક્યતા દેખાતી નથી.

લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના વાઈસ પ્રેસિડન્ટ પદે રહેવા દરમિયાન થયેલા બિડિંગમાં ગરબડ અને મની લોન્ડ્રિંગની સાથે-સાથે ફોરેન કરન્સી એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની જોગવાઈઓનો ઉલ્લંઘન કરવાના આરોપ લાગ્યા હતા. તે પછી તે માત્ર એક વખત મુંબઈમાં ઈન્કમટેક્સ અને ઈડી સમક્ષ હાજર રહ્યો હતો. મે 2010માં તે દેશ છોડીને યુકે ભાગી ગયો હતો.