ડોનાલ્ડ ટ્રમ્પની 48 કલાકની ચેતવણી બાદ ઈરાને જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર અમેરિકા અને ઈઝરાયેલ જેવા દુશ્મન દેશો માટે જ બંધ રહેશે. ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ જણાવ્યું કે જો જહાજો સુરક્ષા નિયમોનું પાલન કરે અને દુશ્મન દેશો સાથે સંકળાયેલા ન હોય, તો તેમને પસાર થવામાં કોઈ અવરોધ નહીં આવે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ શરત મૂકી છે કે અમેરિકા અને ઈઝરાયેલે તેમના હુમલા રોકવા પડશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. રવિવાર, 22 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (IMO) માં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને સંપૂર્ણપણે ઠપ્પ કરવા માંગતું નથી. મૌસવીના જણાવ્યા અનુસાર, “જો કોઈ જહાજ ઈરાનના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે અને તેનો સંબંધ અમેરિકા કે ઈઝરાયેલ સાથે નથી, તો તેને પસાર થવા દેવામાં આવશે.

વિવાદની પૃષ્ઠભૂમિ અને આર્થિક અસર
આ વિવાદની શરૂઆત 28 ફેબ્રુઆરી થી થઈ હતી, જ્યારે ઈરાને આ માર્ગ બંધ કરવાની જાહેરાત કરીને અમેરિકા અને ઈઝરાયેલ સુધી તેલનો પુરવઠો રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વનો આશરે 20% તેલ અને ગેસ આ જ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વિશ્વભરમાં ઉર્જા સંકટ સર્જાઈ શકે છે.
ટ્રમ્પનું અલ્ટીમેટમ અને ઈરાનની શરતો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો 48 કલાકમાં હોર્મુઝનો રસ્તો નહીં ખુલે, તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડ અને વીજ મથકોને નિશાન બનાવશે. આ ધમકીના જવાબમાં ઈરાને વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાની તૈયારી બતાવી છે પરંતુ કેટલીક શરતો મૂકી છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પરના તમામ સૈન્ય હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે. ખાડી વિસ્તારમાં સુરક્ષા માટે પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું પડશે. ઈરાન નાવિકોની સુરક્ષા માટે UN સાથે સહયોગ કરવા તૈયાર છે.
બીજી તરફ, અમેરિકાએ આ વિસ્તારમાં જહાજોને સુરક્ષા આપવા માટે એક આંતરરાષ્ટ્રીય નૌકાદળ ગઠબંધન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાટો (NATO) દેશોએ ઈરાન વિરુદ્ધ સીધી સૈન્ય કાર્યવાહીમાં જોડાવા માટે ખચકાટ અનુભવ્યો છે. હવે સમગ્ર વિશ્વની નજર 48 કલાકની ડેડલાઇન પૂરી થવા પર છે. જો ટ્રમ્પ પ્રશાસન ઈરાનની આ દરખાસ્ત સ્વીકારે છે, તો તણાવ ઓછો થઈ શકે છે, અન્યથા મધ્ય પૂર્વમાં એક મોટું યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.


