આઈપીએલ ૨૦૨૬ની ૫૨મી મેચમાં ગુજરાત ટાઈટન્સે (GT) રાજસ્થાન રોયલ્સ (RR) સામે એકતરફી વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની વિસ્ફોટક બેટિંગ બાદ રાશિદ ખાનની ધારદાર બોલિંગના જોરે ગુજરાતે રાજસ્થાનને તેમના જ ઘરમાં ૭૭ રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ગુજરાત પોઈન્ટ્સ ટેબલમાં સીધું બીજા ક્રમે પહોંચી ગયું છે.

મેચમાં ટોસ જીતીને રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે ખોટો સાબિત થયો. ગુજરાતની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર સાઈ સુદર્શને માત્ર ૩૦ બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી દીધી હતી. શુભમન ગિલ અને સાઈ વચ્ચે ૧૧૮ રનની મજબૂત ભાગીદારી થઈ હતી. સાઈ ૫૫ રન બનાવી આઉટ થયો, પરંતુ ગિલે ૮૪ રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં સુંદરે ૩૭ રનનું યોગદાન આપતા ગુજરાતે ૪ વિકેટના નુકસાને ૨૨૯ રનનો ડુંગર ખડક્યો હતો.
૨૩૦ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત આક્રમક રહી હતી. વૈભવે ૧૬ બોલમાં ૩૬ રન ફટકારી આશા જગાવી હતી, પરંતુ તેની વિકેટ પડતા જ રાજસ્થાનની ઇનિંગ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. સ્ટાર બેટર યશસ્વી માત્ર ૩ રન બનાવી આઉટ થયો હતો. મધ્યક્રમમાં જુરેલે ૨૪ અને જાડેજાએ ૩૮ રન બનાવી સંઘર્ષ કર્યો હતો, પરંતુ તે પૂરતું નહોતું. રાજસ્થાનની આખી ટીમ ૧૫૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે જેસન હોલ્ડરે ૩ અને રબાડાએ ૨ વિકેટ મેળવી હતી.
આ જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાનેથી સીધું બીજા સ્થાને પહોંચી ગયું છે અને પંજાબ કિંગ્સને પાછળ છોડી દીધું છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી ગયું છે. હાલમાં પંજાબ ત્રીજા અને આરસીબી (RCB) ચોથા સ્થાને છે.




