રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર આર અશ્વિન પર ગયા બુધવારે ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમ્પાયરના નિર્ણય પર ટિપ્પણી કરવા બદલ અશ્વિનને દંડનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ઝાકળને કારણે અશ્વિને બોલ બદલવાના અમ્પાયરોના નિર્ણય પર ટિપ્પણી કરી, જેના કારણે તેને આ સજા મળી.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાને 3 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 175/8 રન બનાવ્યા હતા, જેનો પીછો કરવામાં ચેન્નાઈની ટીમ નિષ્ફળ રહી હતી. આ મેચ દ્વારા રાજસ્થાનને IPL-16માં ત્રીજી જીત મળી છે. આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ટોપ નંબર પર પહોંચી ગયું છે. IPL દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિનને IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
‘અમ્પાયરને બોલ બદલવા માટે નથી કહ્યું’
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિને કહ્યું, “બોલ બદલવાના અમ્પાયરના નિયમને કારણે મેચનું પરિણામ સારું કે ખરાબ હોઈ શકે છે. તેથી સંતુલન જાળવવાની જરૂર છે. અમારી ટીમ બોલિંગ કરી રહી હતી, અમે અમ્પાયરને બોલ બદલવા માટે કહ્યું ન હતું, પરંતુ અમ્પાયરે બોલ બદલ્યો હતો. જ્યારે મેં આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે કરી શકે છે.
અશ્વિન ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો
ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે અશ્વિનને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ મેચમાં તેણે બોલ અને બેટ બંનેથી ટીમ માટે યોગદાન આપ્યું હતું. પાંચમા નંબર પર બેટિંગ કરતા અશ્વિને 22 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 30 રનની ઇનિંગ રમી હતી. આ પછી બોલિંગમાં તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી.
