ટ્રેડ વૉર: હવે કેનેડાએ અમેરિકાથી આયાત થતા સામાન પર ટેક્સ લગાવ્યો

0
837

વોશિંગ્ટન- ચીન પછી હવે કેનેડા સાથે પણ અમેરિકાનું ‘ટ્રેડ વૉર’ શરુ થયું છે. ગતરોજ કેનેડાએ અમેરિકા સામે જવાબી કાર્યવાહી કરવા દરમિયાન અમેરિકાના 12.6 અબજ ડોલર મૂલ્યના ઉત્પાદનો પર શુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. જેમાં ઓરેન્જ જ્યુસ અને ટોમેટો કેચઅપ સહિતના ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ અગાઉ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રુમ્પે યુરોપિયન યુનિયન (EU), કેનેડા અને મેક્સિકોથી આયાત કરવામાં આવતા સ્ટીલ ઉપર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ડ્યુટીની જાહેરાત કરી હતી. આ શુલ્ક 1 જુલાઈથી લાગુ થશે.

કેનેડાએ તેના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગને મજબૂત કરવા માટે બે અબજ કેનેડિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, અમેરિકન ડ્યુટીને કારણે કેનેડાના ઉદ્યોગોને થઈ રહેલા નુકસાનમાંથી રાહત આપવા કેનેડિયન સરકારે આ પગલું ભર્યું છે. મહત્વનું છે કે, અમેરિકા વિરુદ્ધ કેનેડાની જવાબી કાર્યવાહીને કારણે વૈશ્વિક ટ્રેડ વૉર વધુ સક્રિય થઈ શકે છે.

આ પહેલા અમેરિકાએ સ્ટીલ ઉપર 25 ટકા અને એલ્યુમિનિયમ ઉપર 15 ટકા ટેક્સ ચીનને ટાર્ગેટ કરીને લગાવ્યો હતો. જોકે હવે એવું લાગી રહ્યું છે કે, અમેરિકાના આ પગલાંથી તેના સહયોગી દેશ પણ પ્રભાવિત થઈ રહ્યાં છે.