ન્યૂ યોર્ક- 9 સપ્ટેમ્બર 2001નો દિવસ માનવ ઈતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો ગોઝારો દિવસ હતો. ન્યૂ યોર્ક શહેર જ નહીં પણ સમગ્ર વિશ્વ આ આતંકી હુમલાથી હચમચી ગયું હતું. ન્યૂ યોર્કના ટ્વીન ટાવર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર કરવામાં આવેલા આતંકી હુમલામાં 2700થી વધુ લોકોના મોત થયા હતા.આજે આ આતંકી ઘટનાના 17 વર્ષ પૂર્ણ થવા છતાં ન્યૂ યોર્કની એક પ્રયોગશાળા મૃતકોની પુરી રીતે ઓળખ કરી શકી નથી અને તેમની ઓળખ કરવા આજે પણ કામ ચાલી રહ્યું છે. મૃતકોમાંથી એક હજાર લોકોની હજી સુધી ઓળખ મેળવી શકાઈ નથી.
ન્યૂ યોર્કની એક પ્રયોગશાળામાં મૃતકોના DNA ટેસ્ટ ચકાસવા માટે શક્ય તમામ વૈજ્ઞાનિક પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાડકાના અવશેષો જે કાટમાળ માંથી મળી આવ્યા હતા તેને પાવડરમાં પરિવર્તિત કરીને તેના ઉપર રસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે જેથી તેના DNA અંગે માહિતી મેળવી શકાય. ઘટનાના 17 વર્ષ બાદ પણ વૈજ્ઞાનિકો મૃતકોની ઓળખ નિર્ધારિત કરવા પ્રયાસ કરી રહ્યાં છે.
આપને જણાવી દઈએ કે, આ ભયાનક આતંકી હુમલામાં 22 હજાર જેટલા મનવ શરીરના ટુકડાઓ મળી આવ્યાં હતા. જેની અત્યાર સુધીમાં 10થી 15 વખત તપાસ કરવામાં આવી છે. જોકે અત્યાધુનિક ટેકનિક અને પ્રયોગનો ઉપયોગ કરવા છતાં હજી સુધી માત્ર 1642 મૃતકોની ઓળખ કરી શકાઈ છે.
જોકે આ પ્રયાસને પરિણામ વગરનું કહી શકાય નહીં. ગત વર્ષ તપાસ ટીમે સ્કોટ માઈકલ જ્હોનસન નામના 26 વર્ષીય યુવાનની ઓળખી કરી હતી. સ્કોટ વ્યવસાયે ફાઈનાન્સ નિષ્ણાત હતો. જે 9/11ના આતંકી હુમલામાં માર્યો ગયો હતો.