જિનિવાઃ વિશ્વમાં કોરોના વાઇરસનું જોખમ હજી ઓછું નથી થયું. અમેરિકા અને યુરોપિયન દેશો કોરોનાની ચોથી લહેરથી પાંચમી લહેરનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા B.1.1.529 વેરિયન્ટનું નામકરણ થયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વેરિયેન્ટનું નામ ઓમિક્રોન રાખ્યું છે. આ નવા વેરિયેન્ટ બંને રસી લગાવી ચૂકેલી વ્યક્તિઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં કોરોનાના નવા વેરિયન્ટ વિશે માલૂમ પડ્યું હતું. એનું નામ ગ્રીક વર્ણમાલાના પહેલા અક્ષરથી લેવામાં આવ્યું હતું. ત્યાર પછી બીટા, ગામા અને ડેલ્ટા વેરિયેન્ટ પણ આવી ગયા છે. હવે WHOએ નવા વેરિયેન્ટનું નામ ગ્રીક અક્ષર ઓમિક્રોન પર રાખવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં બે સપ્તાહમાં કોરોનાના નવા કેસોમાં ચાર ગણી વૃદ્ધિ થઈ છે.
ઓમિક્રોન દક્ષિણ આફ્રિકાથી નીકળીને કેયલાય દેશોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિયેન્ટ દક્ષિણ આફ્રિકામાં કેટલાંય સપ્તાહથી ફેલાઈ રહ્યો છે. WHO આ વેરિયેન્ટને અત્યંત જોખમી માને છે. આ વેરિયેન્ટ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના પહોંચી ચૂક્યો છે. એશિયાના દેશ હોંગકોંગમાં પણ કેસ મળ્યા છે. મિડલ ઇસ્ટ, ઇઝરાયેલ અને યુરોપમાં પણ ઓમિક્રોન પહોંચી ચૂક્યો છે. ઇટાલી, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, જાપાન, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, નેધરલેન્ડ્સ, માલ્ટા મલેશિયા, મોરોક્કો, ફિલિપિન્સ, દુબઈ, જોર્ડન, અમેરિકા, કેનેડા અને તુર્કીએ દક્ષિણ આફ્રિકાની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે.
વિશ્વમાં નવા વેરિયન્ટને લઈને ઊભી થયેલી આશંકાઓની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં કોવિડ-19ની તાજા સ્થિતિ અને રસીકરણ ઝુંબેશની સમીક્ષા માટે મહત્ત્વની બેઠક યોજશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8318 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 465 લોકોનાં મોત થયાં છે.