અમેરિકામાં ફસાયા ભારતીય નાગરિકોઃ વ્હાઈટ હાઉસની મદદ માગી

વોશિંગ્ટનઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે વિદેશમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકો માટે ભારત સરકારે લાગુ કરેલા નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધોને કારણે નવી મુશ્કેલી સર્જાઈ છે. અમેરિકામાં એચ-1બી વિઝા અથવા ગ્રીનકાર્ડ ધારક ભારતીય કે જેમના બાળકો જન્મથી અમેરિકાના નાગરિક છે તેમને કોરોના વાયરસના સંકટમાં મૂકવામાં આવેલા વૈશ્વિક યાત્રા પરના પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયા દ્વારા વિશેષ વિમાનો દ્વારા ભારત પાછા જવામાં મુશ્કેલી પડી રહી છે. ભારત સરકાર દ્વારા ગત મહિને જાહેર કરવામાં આવેલા નિયમો, અને ગત સપ્તાહે એમાં કરાયેલા સુધારા અનુસાર વિદેશી નાગરિકો અને ભારતીય મૂળના લોકોને વિઝા-મુક્ત પ્રવાસ વિશેષાધિકાર પૂરા પાડતા OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડધારકોના વિઝાને ભારત સરકારે અપનાવેલા નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધોને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.ન્યૂજર્સીના પાંડે દંપતિ આ બધા વચ્ચે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ દંપતીની એચ-1બી નોકરી જતી રહી છે અને એમને કાયદા અંતર્ગત નિર્ધારિત 60 દિવસમાં ભારત પાછા ફરવાનું છે. આ દંપતીને બે બાળક છે – જેમની ઉંમર 1 વર્ષ અને 6 વર્ષની છે. બંને બાળક અમેરિકાના નાગરિક છે. નેવાર્ક એરપોર્ટથી તેમને એટલા માટે પાછું ફરવું પડ્યું હતું કે એર ઈન્ડિયાએ કાયદેસર વિઝા હોવા છતાં તેમના બાળકોને ટિકિટ આપવાની ના પાડી દીધી. આ દંપતી ભારતીય નાગરિકો છે. તેમણે કહ્યું કે, એર ઈન્ડિયા અને ન્યૂયોર્કમાં ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ ખૂબ મદદ કરતા હતા પરંતુ તેઓ કંઈ જ ન કરી શક્યા, કારણ કે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને કારણે તેમના હાથ બંધાયેલા હતા.

ભારતીય નાગરિકે કહ્યું કે, હું ભારત સરકારને અપીલ કરું છું કે, માનવીય આધાર પર પોતાના નિર્ણય મામલે ફેરવિચારણા કરે. તે હવે અમેરિકી નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસથી તેમના ત્યાં રહેવાનો સમય વધારવાની અપીલ કરવા વિશે પણ વિચારી રહ્યા છે.

એચ-1બી વિઝાધારકોએ અમેરિકામાં એમની નોકરી ગયા બાદ અમેરિકામાં રહેવાની સમય મર્યાદાને 60 દિવસથી વધારીને 180 દિવસ કરવાની ગયા મહિને વ્હાઈટ હાઉસમાં એક અરજી કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી હતી. જો કે, વ્હાઈટ હાઉસે હજી આ મામલે કોઈ નિર્ણય લીધો નથી.