આતંકવાદ સામે પાકિસ્તાન નિર્ણાયક કાર્યવાહી કરે: અમેરિકા

વોશિંગટન- અમેરિકાના ટ્રમ્પ પ્રસાશને પાકિસ્તાનને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની સલાહ આપી છે. અને સાથે જ આગામી કેટલાક અઠવાડિયામાં એ દિશામાં યોગ્ય પગલા લેવા પણ જણાવ્યું છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ આતંકવાદ વિરોધી પોતાની રણનીતિ તરફ ઝડપથી કામ કરી રહ્યા છે.

ટ્રમ્પ વહીવટી તંત્રએ પાકિસ્તાનને કડક ભાષામાં કહ્યું છે કે, જો તે આતંકવાદી સંગઠનો પર નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહે છે, તો અમેરિકા આતંકવાદ સામે પોતાની રીતે કાર્યવાહી કરશે. અમેરિકન વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રમ્પ વહીવટી તંત્રએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરે અને પોતાની ધરતી પરથી આતંકવાદીઓને સમર્થન કરનારા પરિબળોનો સફાયો કરે.

આપને જણાવી દઈએ કે, અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસન હાલમાં જ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતની રાજકીય યાત્રાએ આવ્યા હતા. ટિલરસનની વિદેશ યાત્રાના સંદર્ભમાં અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે ઘણી વખત પાકિસ્તાનને પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં કરવા માટે જણાવ્યું છે.

પાકિસ્તાને પોતાની સરહદની અંદર આતંકી સંગઠનો વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ તેમ અમેરિકાનું માનવું છે. પોતાની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં જિનિવામાં પત્રકાર પરિષદમાં ટિલરસને કહ્યું કે, અમેરિકાએ આતંકવાદીઓ પર પાકિસ્તાનની સાથે માહિતીની આપ-લે કરી છે. અમને આશા છે કે, પાકિસ્તાનની સાથે મળીને અમે તેના પર કામ કરીશું, જેમાં પાકિસ્તાન યોગ્ય સહકાર આપશે.