અમેરિકા નવા H-1B વિઝાની અરજીઓ સ્વીકારવાનું આવતી 1 એપ્રિલથી શરૂ કરશે

વોશિંગ્ટન – યૂએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) નાણાકીય વર્ષ 2020 માટે H1-B વિઝા માટેની નવી અરજીઓ આવતી 1 એપ્રિલથી શરૂ કરશે, એવો એક મીડિયા અહેવાલ છે.

આ વિઝા માટે રોજગારના આરંભની તારીખ 1 ઓક્ટોબર રહેશે, એમ અમેરિકન બાઝાર નામના દૈનિકે અહેવાલ આપ્યો છે.

પાછલા વર્ષોની જેમ, આ વખતે પણ H-1B માટે રેગ્યૂલર વિઝા ટોચમર્યાદા 65,000 જ રહેશે.

વધુમાં, જેમની પાસે અમેરિકન યુનિવર્સિટીમાંથી મેળવેલી માસ્ટર્સ કે કોઈ ઉચ્ચ સ્તરીય ડિગ્રી હશે એવા 20 હજાર અરજદારોને પણ અમેરિકા વિઝા આપશે.

ગયા જાન્યુઆરીમાં, USCIS એજન્સીએ એચ1-બી વિઝા પ્રક્રિયામાં અમુક ફેરફાર કર્યો હતો જેમાં ફાળવણીની ગણતરી કરવામાં આવશે.

એજન્સી હવે એડવાન્સ્ડ ડિગ્રી સહિત તમામ H-1B અરજીઓને રેગ્યૂલર કેપમાં મૂકશે. બીજા રાઉન્ડમાં, તે બાકીની અરજીઓની પસંદગી કરશે. આ નવી વ્યવસ્થાને લીધે યૂએસ માસ્ટર્સ ડિગ્રી ધરાવતા અરજદારો માટે તક વધી જશે.

USCIS નું માનવું છે કે નવા ફેરફારને લીધે એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા પસંદગીકૃત H1-B અરજદારોમાં આશરે વધુ 16 ટકા અથવા 5,340 કર્મચારીઓને વિઝા મળશે.