વોશિંગ્ટનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને અમેરિકા ટેકો આપે છે, એમ બાઇડન વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાની પાંચ ઓગસ્ટે વર્ષગાંઠ છે.
બંને દેશોની સરહદે આંતકવાદને ઇસ્લામાબાદ સતત ટેકો આપે છે અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન જારી છે. ભારત હંમેશાં કહેતું રહે છે કે પડોશી દેશ સાથે સામાન્ય સંબંધો ઇચ્છનીય છે, પણ હમેશાં એ વાત પર ભાર મૂકે છે કે આ પ્રકારના સંબંધો માટે આતંકવાદ અને શત્રુતાથી મુક્ત વાતાવરણ રાખવાની જવાબદારી ઇસ્લામાબાદની છે. આ સાથે ભારતે એ પણ કહે છે જમ્મુ-કાશ્મીર હંમેશાં દેશનો હિસ્સો હતો, છે અને રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગંભીર મુદ્દાઓ પર વાટાઘાટ થવી જોઈએ, એ અમે લાંબા સમયથી કહીએ છીએ, એમ વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
મિલરની આ ટિપ્પણી પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફ દ્વારા બધા ગંભીર અને પેન્ડિંગ મુદ્દાઓના સમાધાન માટે ભારતની સાથે વાતચીતની રજૂઆત કર્યાના બે દિવસ પછી આવી છે. ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે દ્વિપક્ષી સંબંધ ઓગસ્ટ, 2019થી તનાણપૂર્ણ છે, જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિને બદલી કાઢી હતી.
પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પર વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી સીમા પાર આતંકવાદની નીતિ ખતમ નહીં થાય, ત્યાં સુધી ભારત માટે પડોશી દેશની સાથે સામાન્ય સંબંધો રાખવા સંભવ નથી. આ પહેલાં જૂનમાં તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદને સામાન્ય ગણવાની મંજૂરી નથી આપતા. અમે એને પાકિસ્તાન સાથે ચર્ચામાં સામેલ થવાનો આધાર નહીં બનવા દઈએ.