વોશિંગ્ટન- અમેરિકાની જાસુસી એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષોમાં પાકિસ્તાન અમેરિકાના હિતો માટે જોખમી પુરવાર થઈ શકે છે. ઉપરાંત દક્ષિણ એશિયા માટે પણ પાકિસ્તાનનું વલણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અમેરિકન અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2019 સુધીમાં પાકિસ્તાન અમેરિકાથી મતભેદ બનાવી ચીન તરફ તેનો જુકાવ વધી જશે.ચીનની વધુ નજીક જશે પાકિસ્તાન
અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સના ડાઈરેક્ટર ડેનિયલ કોટ્સે અમેરિકન કોંગ્રેસમાં વર્લ્ડવાઈડ થ્રેડ અસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા દરમિયાન જણાવ્યું કે, ભવિષ્યમાં ક્યા દેશ અમેરિકાના હિતોની આડે આવી શકે છે. આપને જણાવી દઈએ કે, આ રિપોર્ટ અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી, ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી, ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને નેશનલ સિક્યોરિટી એજન્સી સહિત કુલ 17 જાસુસી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
અમેરિકાનો આ રિપોર્ટ ભારત માટે પણ ઘણો મહત્વનો છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનને લઈન આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, વર્ષ 2019માં પાકિસ્તાનનું વલણ ચીન તરફી થશે જે અમેરિકા માટે પણ નુકસાનકારક છે ઉપરાંત પાડોશી દેશ ભારત માટે પણ આતંકવાદને પ્રોત્સાહન આપનારું પુરવાર થશે.
નવો ખતરો બની શકે છે પાકિસ્તાન
પાકિસ્તાનને લઈને અમેરિકાની જાસુસી સંસ્થાઓએ એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાન સતત નવા પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરે છે. ઉપરાંત આતંકીઓને સંરક્ષણ આપી આતંકવાદ વિરુદ્ધ પ્રભાવી કાર્યવાહી નહીં કરવાને કારણે આગામી સમયમાં ભારત સાથે પાકિસ્તાનના સંબંધ વધુ તણાવપૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, ચીન પણ આડકતરી રીતે PoK મામલે પાકિસ્તાનને સમર્થન કરીને ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.