આખા અમેરિકામાં વિમાન-સેવા ઠપ; સાઈબર-હુમલાની શક્યતાને રદિયો

વોશિંગ્ટનઃ અમેરિકાની એવિએશન નિયામક એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની કમ્પ્યુટર સિસ્ટમ (સર્વર)માં વિશાળ પાયે આઉટેજ થવાને કારણે (સિસ્ટમમાં ટેકનિકલ ખરાબી ઊભી થવાથી) આજે સવારે સાત વાગ્યાથી આખા અમેરિકામાં લગભગ તમામ ઘરેલુ ફ્લાઈટ્સને ગ્રાઉન્ડ કરવી પડી છે. આ અભૂતપૂર્વ આઉટેજને કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. અસંખ્ય ફ્લાઈટ્સ મોડી પડી છે. અમેરિકાના ઈતિહાસમાં આવું આ પહેલી જ વાર બન્યું છે. એફએએ તરફથી જણાવવામાં આવ્યું છે કે તે વિમાન સેવા પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. આદેશ મળ્યા બાદ મોટા ભાગની એરલાઈન્સે તેમના વિમાનોને ગ્રાઉન્ડેડ કરી દીધી હતી. આખા અમેરિકામાં 2,500થી વધારે ફ્લાઈટ્સને માઠી અસર પડી છે. એરપોર્ટ્સ પર પ્રવાસીઓ અટવાઈ ગયાં છે.

ટ્રાન્સપોર્ટ પ્રધાન દ્વારા યુએસ પ્રમુખ જો બાઈડનને દેશમાં ફ્લાઈટ્સની પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે. આ સમસ્યામાં એફએએ પર કોઈ પ્રકારનો સાઈબર હુમલો કરવામાં આવ્યો હોવાની શંકાને વ્હાઈટ હાઉસે નકારી કાઢી છે.