વોશિંગ્ટનઃ H-1B વિઝા સહિત અન્ય વર્ક વિઝા સસ્પેન્ડ કર્યા બાદ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ભારતીયોને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાએ ભારતના વિશેષ વિમાનોને અમેરિકામાં એન્ટ્રી આપવાની ના પાડી દીધી છે. અમેરિકાએ ભારત પર એવિએશન કરારની આડમાં ગેરકાયદે અને ભેદભાવપૂર્ણ નીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
મહત્વનું છે કે, કોરોનાને કારણે ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરી નથી પરંતુ ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને એર ઈન્ડિયાના વિમાનો દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, એક તરફ એર ઈન્ડિયા ભારતીયોને સ્વદેશ લઈ જવામાં માટે ઉડાન ભરી રહ્યું છે તો બીજી તરફ એર ઈન્ડિયા ટિકિટનું પણ વેચાણ કરી રહ્યું છે.
એવિએશન કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા એજ સમયે અમેરિકન વિમાનોની પણ ભારત માટે ઉડાન રદ્દ કરી દેવામાં આવી છે. અમેરિકાના પરિવહન વિભાગે આરોપ લગાવ્યો છે કે, એર ઈન્ડિયા આ કાર્યક્રમનો પ્રચાર કરી રહ્યું છે. વિભાગે જણાવ્યું કે આ આદેશ 30 દિવસમાં લાગુ થઈ જશે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના કહેવા મુજબ ભારતીય એરલાઇન્સ એર ઈન્ડિયાએ ઉડાન ભર્યા પહેલા સત્તાવાર રીતે પરિવહન વિભાગમાં જાણ કરવી જોઈએ, જેથી કરીને તેમના પર નજર રાખવી સરળ બની રહે.