મુંબઈના 26/11 હુમલાઓના સૂત્રધારોની માહિતી આપનારને અમેરિકા તરફથી 50 લાખ ડોલરનું ઈનામ અપાશે

વોશિંગ્ટન – મુંબઈ શહેર અને સમગ્ર ભારત 2008ની 26 નવેમ્બરે કરાયેલા ભયાનક ત્રાસવાદી હુમલાઓની 10મી વરસી આજે મનાવે છે ત્યારે અમેરિકામાંથી એવા સમાચાર આવ્યા છે કે આ હુમલાઓના સૂત્રધારો વિશે માહિતી આપનારને અમેરિકા સરકાર 50 લાખ ડોલરનું રોકડ ઈનામ આપશે.

26/11ના હુમલાઓમાં 166 જણ માર્યા ગયા હતા જેમાં 6 અમેરિકન પણ હતાં.

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓએ એક નિવેદન દ્વારા આ ઈનામની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે મુંબઈના હુમલાઓમાં ભોગ બનેલા લોકોનાં પરિવારજનોને ન્યાય મળવો જોઈએ. મુંબઈના હુમલાઓનું ષડયંત્ર ઘડનારાઓને હજી સુધી એમની સંડોવણી માટે અપરાધી જાહેર કરાયા નથી. અમે તમામ દેશોને, ખાસ કરીને પાકિસ્તાનને અનુરોધ કરીએ છીએ કે તેઓ યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદ પ્રતિ એમની જવાબદારીઓ નિભાવે અને લશ્કર-એ-તૈબા તથા એના સાથી જૂથો સહિત મુંબઈના હુમલાઓ માટે જવાબદાર ત્રાસવાદીઓ સામે પગલાં ભરે.

આ ઈનામ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રાલયના રીવોર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામ અંતર્ગત જાહેર કરવામાં આવ્યું હતું, પણ હવે એને મુંબઈના 26/11 હુમલાઓનું ષડયંત્ર ઘડવામાં કે એમાં મદદ કરનારા જે કોઈ સંડોવાયેલા હોય એમની ધરપકડ કરવા કે એમને અપરાધી જાહેર કરવામાં મદદરૂપ થાય એવી માહિતી આપનાર લોકો સુધી લંબાવવામાં આવ્યું છે.

2008ની 26 નવેમ્બરે પાકિસ્તાનના બંદૂકધારીઓના એક જૂથે મુંબઈમાં ઘૂસી જઈને શ્રેણીબદ્ધ હુમલા શરૂ કર્યા હતા. એને પગલે મુંબઈ એક વોર ઝોનમાં ફેરવાઈ ગયું હતું. ત્રાસવાદીઓએ દક્ષિણ મુંબઈમાં બે લક્ઝરી હોટેલ્સ (તાજમહેલ પેલેસ અને ટ્રાઈડેન્ટ), એક યહુદી પ્રાર્થના સ્થળ, એક ટૂરિસ્ટ રેસ્ટોરન્ટ (લીઓપોલ્ડ કેફે) અને એક રેલવે સ્ટેશન (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ને ટાર્ગેટ બનાવ્યા હતા. હત્યાકાંડ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો અને એમાં વિદેશી પર્યટકો સહિત 166 જણ માર્યા ગયા હતા અને બીજા સેંકડો લોકો ઘાયલ થયા હતા.

તાજ પેલેસ હોટેલમાં 31 જણ માર્યા ગયા હતા. ત્રાસવાદીઓએ હોટેલને 60-કલાક સુધી ઘેરો ઘાલ્યો હતો.

આ હુમલાઓ માટે ભારત સરકારે પાકિસ્તાનસ્થિત ત્રાસવાદી જૂથ લશ્કર-એ-તૈબાને દોષી જાહેર કર્યું છે. એને કારણે બંને દેશ વચ્ચેના સંબંધો વણસી ગયા છે.