અફઘાનિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટમાં 27નાં મરણ

કાબુલ – પૂર્વીય અફઘાનિસ્તાનમાં એક લશ્કરી મથકની અંદર આવેલી એક મસ્જિદમાં આજે એક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 27 જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે.

આ હુમલા માટે હજી સુધી કોઈએ જવાબદારી લીધી નથી એવું સુરક્ષા અધિકારીઓનું કહેવું છે.

ભોગ બનેલા લોકો ખોસ્ત પ્રાંતના ઈસ્માઈલ ખેલ જિલ્લામાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢવા માટે એકત્ર થયા હતા.

આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો અફઘાન સુરક્ષા દળો માટે કામ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોના ટેકાવાળી અફઘાન સરકારને સત્તા પરથી દૂર કરવા માટે અને વિદેશી દળોને અફઘાનિસ્તાનમાંથી કાઢી મૂકવા માટે તાલીબાન ઉગ્રવાદી ગ્રુપે યુદ્ધ આદર્યું છે. આ ગ્રુપે તાજેતરના અઠવાડિયાઓમાં અફઘાન સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.

ઈસ્લામી ઉગ્રમતવાદી લડાકુઓનાં હુમલાઓમાં સેંકડો અફઘાન સુરક્ષા ચોકિયાતો માર્યા ગયા છે, એમના ચેકપોસ્ટનો નાશ થયો છે અને શસ્ત્રો કબજે થઈ ગયા છે.