આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો મુખિયા અમેરિકાના ડ્રોન હુમલામાં મરાયો

ઈસ્લામાબાદ- અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ હવે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના (TTP) મુખિયા મુલ્લા ફઝલુલ્લાને ઠાર માર્યો છે. અમેરિકાએ એક ડ્રોન હુમલામાં TTPના મુખિયા મુલ્લા ફઝલુલ્લાને ટાર્ગેટ કર્યો હતો. અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં આતંકવાદી મુલ્લા ફઝલુલ્લાને ટાર્ગેટ કર્યો હતો. US આર્મીના એક અધિકારીએ વોઈસ ઓફ અમેરિકા દ્વારા તેની પુષ્ટિ કરી છે.લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન ઓ’ડોનેલે જણાવ્યું કે, અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક આવેલા કુનાર પ્રાંતમાં આતંકીઓના સફાયા માટે 13મી જૂનથી ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત ડ્રોન હુમલામાં આતંકી ફઝલુલ્લાહને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, અલ કાયદાના નજીકના સંગઠન તહરીક-એ-તાલિબાને જ ફૈઝલ શાહજાદને ટાઈમ્સ સ્ક્વેર પર હુમલો કરવા માટે તાલીમ આપી હતી.

પાકિસ્તાની ચેનલે ઓ’ડોનેલનો હવાલો આપીને જણાવ્યું કે, અમેરિકી સુરક્ષા દળ અફઘાન સરકાર દ્વારા તાલિબાન સાથે કરવામાં આવેલા યુદ્ધવિરામનું પાલન કરી રહ્યાં છે. જોકે, અમેરિકન મીડિયામાં આવતા સમાચાર મુજબ આતંકી ફઝલુલ્લાહને ટાર્ગેટ કરીને જ આ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકાના વિદેશ વિભાગે માર્ચ 2018માં આતંકવાદી ફઝલુલ્લાહની માહિતી આપનારા માટે 50 લાખ ડોલર એટલેકે રુપિયા 34 કરોડના ઈનામની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે, ફઝલુલ્લાહ પાકિસ્તાનમાં અનેક લોહિયાળ હુમલા કરવામાં સામેલ હતો અને વર્ષ 2010માં ન્યૂ યોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર કાર બોમ્બ વિસ્ફોટના પ્રયાસમાં પણ તેની સંડોવણી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]