બ્રિટનના નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે રાજીનામું આપ્યું

લંડનઃ બ્રિટનમાં સરકાર ચલાવવાના વડા પ્રધાન રિશી સુનકના પ્રયાસોને આજે મોટો ફટકો પડ્યો છે, કારણ કે એમના ડેપ્યુટી તરીકે કામ કરતા ડોમિનિક રાબે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સુનકને એમણે પત્ર લખીને પોતે રાજીનામું આપે છે એવી જાહેરાત કરી હતી. કેબિનેટ પ્રધાન તરીકે સેવા બજાવતી વખતે જુદા જુદા સરકારી વિભાગોના  સ્ટાફના સભ્યોને ધમકાવવાના આરોપને પગલે રાબે રાજીનામું આપ્યું છે. એમના રાજીનામાથી સુનકને ફટકો પડ્યો છે, કારણ કે રાબ એમના નિકટના સહયોગી હતા.

અનેક સરકારી કર્મચારીઓએ 49 વર્ષના રાબ વિશે કરેલી ફરિયાદોમાં નિષ્પક્ષ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનીશોને બે જણના આરોપમાં સાચા જણાયા હતા. ત્યારબાદ તપાસ અહેવાલ ગઈ કાલે સુનકને સુપરત કરવામાં આવ્યો હતો. પરિણામે રાબ રાજીનામું આપશે એવી ધારણા હતી જ. તેઓ બ્રિટનના કાયદા પ્રધાન પણ છે. એમણે પોતાના રાજીનામાનો પત્ર આજે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.