અદાલતના આદેશ બાદ ટ્રમ્પે ટ્વીટર પર આલોચકોને કર્યા અનબ્લોક

વોશિંગ્ટન- અદાલતના આદેશ બાદ આખરે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેટલાક આલોચકોને ટ્વીટર પર અનબ્લોક કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અદાલતે પ્રેસિડેન્ટ ટ્રમ્પને જણાવ્યું કે, તેઓ આ રીતે તેમના ટીકાકારોને બોલતા અવરોધી શકે નહીં.ફેડરલ ડિસ્ટ્રિક્ટ જજે આદેશ આપ્યો હતો કે, પ્રેસિડેન્ટના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર આલોચકોને બ્લોક કરવા એ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેના આલોચકોને ટ્વીટર પર બ્લોક કરવાના વિરોધમાં એક અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રમ્પે એ સાત લોકોને અનબ્લોક કર્યા છે જેના નામ આ કેસમાં જોડાયેલા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અપીલ કરનારી કોલંબિયા વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન સંસ્થા દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ‘અમને મળેલી સુચના પ્રમાણે ન્યાય મંત્રાલય પાસે રહેલી એક યાદી મુજબ 41 અન્ય લોકોને પણ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટ દ્વારા અનવબ્લોક કરવામાં આવ્યા છે’.

સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું કે, અમને એ વાતનો સંતોષ છે કે, વ્હાઈટ હાઉસે કોર્ટના ચુકાદાનું પાલન કરવા પગલા લીધાં છે. અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, બંધારણ પ્રેસિડેન્ટને તેની આલોચના કરનારાઓને ટ્વીટર પર બ્લોક કરવાની પરવાનગી આપતું નથી. જોકે સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેની પાસે રહેલી માહિતી મુજબ હજી પણ એવા અનેક લોકો છે જેને પ્રેસિડેન્ટના ટ્વીટર એકાઉન્ટ પર બ્લોક કરવામાં આવ્યા છે.