વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ઉત્પાદનો ઉપર વધુ ડ્યૂટી લગાવવાને લઈને ભારત પર કટાક્ષ કર્યો છે. અને વધુમાં ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાની ચેતવણી ઉચ્ચારી છે. ટ્રમ્પે ભારત પર કટાક્ષ કર્યો અને ભારતને ‘ટેરિફ કિંગ’ ગણાવવાની સાથે કહ્યું કે, ભારત ફક્ત તેમને ખુશ કરવા માટે જ અમેરિકા સાથે વ્યાપારિક કરાર કરવા ઈચ્છે છે.હાલના દિવસોમાં આ બીજી ઘટના છે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટે ભારત ઉપર કથિત રીતે ઈમ્પોર્ટ ડ્યૂટી રાખવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની જાપાન, યૂરોપિયન સંઘ, ચીન અને ભારત સાથે વ્યાપારિક કરારને લઈને વાતચીત ચાલી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન બાઈક હાર્લે ડેવિડસનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ‘આ બાઈક ઉપર 100 ટકાના દરે ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવાને લઈને તેમણે પીએમ મોદી સાથે વાત કરી હતી. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી સાથે વાત થયા બાદ તેમણે આ બાઈક પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા અંગે તેમને આશ્વાસન પણ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતના પીએમ મોદી સાથે તેમના સંબંધો ઉષ્માપૂર્ણ છે. અને તેઓ આ મુદ્દે કામ કરશે.