ટ્રમ્પની સૂચિત વૈશ્વિક સમજૂતી અમલમાં આવે તો ભારતની કેટલીક મિસાઈલ પર પ્રતિબંધ લાગી શકે

ન્યૂયોર્ક – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાતે અહીં અમેરિકી સંસદ (કોંગ્રેસ)ના સંયુક્ત સત્રમાા એમનું વાર્ષિક દેશવ્યાપી ‘સ્ટેટ ઓફ યુનિયન સંબોધન’ કર્યું હતું. એમાં તેમણે અણુ મિસાઈલને લગતી એક નવી વૈશ્વિક સમજૂતીનો ઉલ્લેખ કર્યો હતો. એમાં ભારતનો પણ નંબર લાગી જાય એવી શક્યતા છે.

રશિયા સાથે ઇન્ટર્મીડિએટ-રેન્જ ન્યુક્લીઅર ફોર્સીસ (INF) સમજૂતીમાંથી અમેરિકાને હટાવી લેવાના પોતાના નિર્ણયનો ટ્રમ્પે બચાવ કર્યો હતો. એમણે કહ્યું હતું કે, આપણે કોઈ અલગ સમજૂતી કરી શકીએ, જેમાં ચીન તથા અન્ય દેશોને પણ સામેલ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, INF સમજૂતી પર અમેરિકાના તે વખતના પ્રમુખ રોનાલ્ડ રેગન અને સોવિયેત સામ્યવાદી પક્ષના મહામંત્રી મિખાઈલ ગોર્બાચેવે હસ્તાક્ષર કર્યા હતા. એ સમજૂતીમાં 1000થી લઈને 5000 કિ.મી.ની રેન્જ ધરાવતી જમીન પરથી છોડી શકાય એવી મિસાઈલોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો.

જો નવી સમજૂતી અમલમાં આવે તો ભારતે નિર્મિત કરેલી પૃથ્વી અને અગ્નિ વર્ગની કેટલીક મિસાઈલો એમાં આવી શકે છે. એવી જ રીતે, પાકિસ્તાનની બાબર, શાહીન અને ઘોરી મિસાઈલો પણ આવી શકે છે.

INF સમજૂતીમાંથી અમેરિકાને હટાવી લેવાના પોતાના નિર્ણયના બચાવમાં ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા એ સમજૂતીનો વારંવાર ભંગ કરતું હતું.

ટ્રમ્પે નવી સમજૂતી અંગે એમનો મુદ્દો રજૂ કરતી વખતે ભારત કે ભારતીય ઉપખંડ શબ્દોનું ઉચ્ચારણ કર્યું નહોતું, પણ અફઘાનિસ્તાનનો ઉલ્લેખ જરૂર કર્યો હતો. એમણે કહ્યું હતું કે મારું વહીવટીતંત્ર તાલીબાન સહિત અફઘાનિસ્તાનના અનેક સંગઠનો સાથે ઉલ્લેખનીય વાટાઘાટ કરી રહ્યું છે. આ વાટાઘાટમાં જો અમને પ્રગતિ હાંસલ થશે તો આપણે આપણા વધુ સૈનિકોને ત્યાંની ફરજ પરથી હટાવી શકીશું અને ત્રાસવાદ-વિરોધી જંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]