ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું: IRGCની ધમકી

તહેરાનઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રવિવારે અમેરિકાએ પણ પ્રવેશ કર્યો છે અને તેણે ઈરાનની ત્રણ ન્યુક્લિયર યુનિટ્સ પર હુમલો કર્યો છે. આ પછી એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આ યુદ્ધ એક નવી દિશામાં જઈ શકે છે, કારણ કે રશિયા અને ચીને પણ અમેરિકાના આ હુમલાની કડક નિંદા કરી છે અને તેને ખોટો ગણાવ્યો છે.

આ વચ્ચે ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘જુગારી’ તરીકે ઉલ્લેખ કર્યો છે અને અમેરિકાને ‘ટાર્ગેટેડ ઓપરેશન્સ’ની ધમકી આપી છે. IRGC એ ચેતવણી આપી છે કે અમેરિકાએ સપ્તાહના અંતે કરેલા હુમલાનો તેને જવાબ મળશે જ.

IRGC ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલફાગરીનું કહેવું છે કે અમેરિકાએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં સીધો પ્રવેશ કર્યો છે અને ઈરાનની “પવિત્ર ભૂમિ”નું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું હતું કે હવે અમેરિકાને “શક્તિશાળી અને લક્ષ્યિત ઓપરેશનો”ના માધ્યમથી “ભયાનક, ખેદજનક અને અણધાર્યાં પરિણામો”નો સામનો કરવો પડશે. અમેરિકી રાષ્ટ્રપતિને સીધા અંગ્રેજીમાં સંબોધન કરતાં ઝોલફાગરીએ કહ્યું: મિસ્ટર ટ્રમ્પ, જુગારી! તમે આ યુદ્ધ શરૂ કરી શકો છો – પણ તેને પૂરું અમે કરીશું.

બીજી બાજુ, ઈરાનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત આમિર સઈદ ઇરાવાનીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમર્જન્સી બેઠકમાં કહ્યું કે ઈરાન જવાબ જરૂર આપશે. તેમણે કહ્યું હતું  કે ઈરાને વારંવાર યુદ્ધપ્રિય અમેરિકાને ચેતવણી આપી હતી કે તે આ યુદ્ધમાં ન ફસાય.’ તેમણે આગળ કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલો કરીને કૂટનીતિને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાની સૈન્ય ઈરાનની પ્રતિક્રિયાનો સમય, સ્વરૂપ અને પ્રભાવ નક્કી કરશે.