વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષે તમામ કામચલાઉ વિદેશી વર્કર્સ અને ગ્રીન કાર્ડ અરજીધારકોને દેશમાં પ્રવેશતાં રોકવા માટે ઇમિગ્રેશન પરનો પ્રતિબંધ 31 માર્ચ, 2021 સુધી ત્રણ મહિના માટે લબાવી દીધો છે. તેમનું કહેવું છે કે કોરોનાથી પીડિત અર્થતંત્રમાં અમેરિકી કામદારોના રક્ષણાર્થે આ પગલું લેવું જરૂરી હતું. એપ્રિલ-જૂનમાં જાહેર કરવામાં આવેલા આ પ્રતિબંધની મુદત 31 ડિસેમ્બરે પૂરી થઈ હતી, પણ ટ્રમ્પ વહીવટી તંત્ર એને 31 માર્ચ, 2021 સુધી વધારી દીધો છે. જોકે વેપાર-વ્યવસાયે વિદેશી વર્કર્સ પરના પ્રતિબંધનો મોટા પાયે વિરોધ કર્યો છે.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ચૂંટાયેલા જો બાઇડન કે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખપદના શપથ ગ્રહણ કરવાના છે, તેમણે આની ટીકા કરી હતી. જોકે તેમણે પણ આ પ્રતિબંધને દૂર કરવાની વાત નહોતી કરી. જેથી અમેરિકા જતા લોકોએ માર્ચ સુધી રાહ જોવી પડશે. અમેરિકી સરકારના આ નિર્ણયનો પ્રભાવ H-1B વિઝા પર થશે.
અમેરિકામાં કોરોના વાઇરસ દેશભરમાં ફેલાયો છે, જેથી કમસે કમ બે કરોડ લોકો બેરોજગારીનો લાભ લઈ રહ્યા છે. જોકે ઓક્ટોબરમાં કેલિફોર્નિયાના ફેડરલ જજે કોર્ટમાં ટ્રમ્પના વિદેશી કામચલાઉ કામદારોના પ્રતિબંધને અટકાવ્યો હતો, કેમ કે અમેરિકી કંપનીઓએ સેંકડો કામદારો માટે અરજી કરી હતી. જજને જણાયું હતું કે કામદારો પરના પ્રતિબંધથી વેપાર-વ્યવસાયોને કામકાજમાં અડચણ ઊભી થતી હતી અને કર્મચારીઓને છૂટા કરવાથી મોટા નુકસાનની આશંકા હતી. યુએસ ડિપાર્ટમેન્ટે આ નિર્ણય સામે નવમી યુએસ સરકિટ કોર્ટમાં અપીલ કરી છે, જેના પર 19 જાન્યુઆરીએ દલીલો કોર્ટ સાંભળશે.