વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં ત્યાં સુધી સૈનિકોને રાખવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં સુધી પ્રત્યેક અમેરિકી નાગરિકને સુરક્ષિત બહાર નહીં કાઢવામાં આવે. ભલે એ માટે 31 ઓગસ્ટ પછી પણ ત્યાં સેના હાજર રહે. બાઇડનને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવવા માટે 31 ઓગસ્ટ સમયમર્યાદા નક્કી કરી હતી.
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બાઇડનને એ ટીકાઓનો પણ જવાબ આપ્યો હતો કે અમેરિકાએ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અને સૈનિકો પરત બોલાવવા માટે વધુ કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે અમેરિકા સમયમર્યાદા પૂરી થયાં પહેલાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકનોને અને અમેરિકાના સહયોગીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે દરેક સંભવિત પગલું લેશે. જોકોઈ અમેરિકી નાગરિક ત્યાં રહી જાય છે તો અમે ત્યાં સુધી રહીશું, જ્યાં સુધી તેને બહાર ન કાઢી લઈએ.
બાઇડને એપ્રિલમાં ઘોષણા કરી હતી કે અમેરિકી સેનાને આ વર્ષની 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેવામાં આવશે, જેનાથી બે દાયકા સુધી ચાલતા દેશના સૌથી લાંબા યુદ્ધનો અંત થઈ ગયો. અમેરિકાએ પહેલાં મોટા ભાગના સૈનિકોને પરત બોલાવી લીધા છે અને 31 ઓગસ્ટ સુધી બધા સૈનિકોને પરત બોલાવવાની યોજના છે.
તાલિબાનના ગયા સપ્તાહાંતે અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો જમાવ્યા પછી ત્યાં 15,000 અમેરિકી ફસાયેલા છે. સંરક્ષણપ્રધાન લોઇડ ઓસ્ટિને બુધવારે કહ્યું હતું કે અમેરિકી સેનાની પાસે કાબુલ એરપોર્ટને સુરક્ષિત કરવા અને રાજધાનીમાં અન્ય જગ્યાઓ પર જોખમી પરિસ્થિતિમાં અફઘાન નાગરિકોને બહાર કાઢવા માટે હાલની ઝુંબેશનો વિસ્તાર કરવા માટે અફઘાનિસ્તાનમાં બળ અને હથિયાર નથી.