રણજીતસિંહની પ્રતિમા તોડનારને પકડવાનો ઈમરાનખાનનો આદેશ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લા ખાતે મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ કરનારાઓને પકડવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે.

શીખ સમુદાયના 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની 9-ફૂટની કાંસ્યની પ્રતિમાની લાહોર કિલ્લામાં પ્રતિબંધિત સંગઠન તેહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (ટીએલપી)ના એક કાર્યકર્તાએ તોડફોડ કરી હતી. સોશિયલ મિડિયા પર વાઈરલ થયેલા એક વિડિયોમાં આરોપીને સૂત્રો પોકારતો, પ્રતિમાનો હાથ તોડતો અને રણજીતસિંહની પ્રતિમાને ઘોડા પરથી દૂર કરતો અને જમીન પર ફેંકતો જોઈ શકાય છે. એ ઘૃણાસ્પદ હરકતમાં એક અન્ય વ્યક્તિ પણ સામેલ હતો. ટીએલપીના એક કાર્યકર્તાની પંજાબ પોલીસે ધરપકડ કરી છે એવો એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારમાં અહેવાલ છે. લાહોર કિલ્લાના વહીવટીતંત્રએ પણ આરોપી સામે કડક પગલું ભરવાનું કહ્યું છે. રણજીતસિંહની પ્રતિમાને તોડવાની ઘટનાને ભારત સરકારે વખોડી કાઢી છે અને આવા હુમલા રોકવામાં પાકિસ્તાન સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી છે.