પેરિસઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે ફેલાયેલા ડરને લીધે ટોક્યો ઓલિમ્પિક, 2020ને એક વર્ષ સુધી પાછળ ઠેલાવાથી 2021માં પ્રસ્તાવિત વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હવે 2021ને બદલે 2022માં યોજાશે. વિશ્વ એથ્લેટિક્સે ટોક્યો ઓલિમ્પિકની નવી તારીખ જાહેર થયા પછી આ નિર્ણય લેતાં અમેરિકાના યુઝિનમાં છથી 10 ઓગસ્ટ, 2021 સુધી પ્રસ્તાવિત આ ચેમ્પિયનશિપનું આયોજન હવે 2022માં થશે.
તૈયારી કરવાનો વધુ સમય મળશે
વિશ્વ એથ્લેટિક્સે કહ્યું હતું કે અને જાપાનના આયોજકો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)દ્વારા જાહેર કરવામાં આવેલી ઓલિમ્પિકની નવી તારીખોને આવકારીએ છીએ. આનાથી અમારા એથ્લિટોને પ્રશિક્ષણ (ટ્રેનિંગ) અને હરીફાઈ કરવા માટે વધારાનો સમય મળશે.
તેમણે કહ્યું હતું કે દરેક જણે આના માટે સાનુકૂળ થવું પડશે અને અમે ઓરેગોનમાં થનારી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે સ્થાનિક આયોજકોથી ચર્ચા કરીને નવી તારીખોની જાહેરાત કરીશું. વિશ્વ એથ્લેટિક્સે કહ્યું હતું કે તેઓ આના માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સિવાય યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના આયોજકોથી પણ ચર્ચા કરી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ હાલમાં બર્મિગહામમાં 27 જુલાઈથી સાત ઓગસ્ટ, 2022 સુધી યોજાશે. જ્યારે યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મ્યુનિચમાં 11-21 ઓગસ્ટમાં યોજાશે