– તો ઇરાને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકા અને ઇરાનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઇ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇરાને અમેરિકા સામે સુલેમાનીના મોતનો બદલો લેતા ઇરાકમાં આવેલા બે અમેરિકન બેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડી.

ઇરાની મીડિયાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં ડઝનબંધ અમેરિકન સૈનિકના મોત થયા હતા, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેનું ખંડન કર્યુ હતું. આ ઘટનાના અંદાજે ત્રણ મહિના બાદ બંને દેશોની વચ્ચે એકવખત ફરીથી વિવાદ વકરતો દેખાઇ રહ્યો છે. એક ગુપ્ત માહિતી મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને મોટી કિંમત ચૂકવવાની ચેતવણી સુદ્ધા આપી દીધી છે.

અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે કે ઇરાન કે તેના સમર્થક ઇરાક સ્થિત અમેરિકન સૈનિકો કે ઠેકાણા પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ઇરાનને ચેતવણી આપતા લખ્યું કે માહિતી અને વિશ્વાસના આધાર પર ઇરાન કે તેના સમર્થક ઇરાકમાં અમેરિકન સૈનિકો કે સંપત્તિ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. જો આમ થયું તો ઇરાને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે.