ઈસ્લામાબાદ– પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં તહરીક એ લબ્બૈક(ટીએલપી) અને રસુલ અલ્લાહના નામના ઈસ્લામિક સંગઠનના 20 દિવસથી ચાલી રહેલા ધરણા સમાપ્ત કરવા પહોંચેલ સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામાબાદમાં સોશિયલ મિડિયા ટ્વીટર, ફેસબુક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમજ ટીવી પર લાઈવ કવરેજ પર પણ પ્રતિબંધ લદાયો છે.હિન્દુસ્તાન ટાઈમ્સના રીપોર્ટ અનુસાર શુક્રવાર રાત્રે 8500 સુરક્ષાદળોએ 2000 પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. ઈસ્લામાબાદ પોલીસ અને ફ્રન્ટિયર કોન્સટેબુલરી(એફસી)એ શરૂઆતમાં ઘટનાસ્થળે પ્રદર્શનકારીઓને ખદેડવાનું શરૂ કર્યું હતું. પણ શનિવારે સવારે પ્રદર્શનકારીઓ ફરીથી ભેગા થયા હતાં. આ દરમિયાન હિંસા ભડકી અને કેટલાય વાહનોને ફૂંકી માર્યા હતા.રીપોર્ટમાં કહેવાયું છે કે પોલીસે અંદાજે 50 લોકોની અટકાયત કરી છે. એએફસીના કહેવા અનુસાર પાકિસ્તાન મીડિયા રેગ્યુલેટરે સ્થાનિક ટીવી ચેનલો દ્વારા ઘટનાસ્થળ પરથી લાઈવ પ્રસારણ દર્શાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. પણ સ્થાનિક મિડિયાના રીપોર્ટ અનુસાર આ અથડામણમાં 67 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફેસબૂક, ટ્વીટર, યુટ્યૂબ સહિત તમામ જાહેર માધ્યમ બંધ કરી દેવાયાં છે.પાકિસ્તાન ઈન્સ્ટિયુટ ઓફ મેડિકલ સાયન્સના ડૉકટરનું કહેવું છે કે કોઈ ગંભીર રીતે ઘાયલ નથી. મોટાભાગના લોકોને સાધારણ ઈજા થઈ હતી. પણ કેટલાક લોકોને ફ્રેકચર થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારીઓએ રસ્તા અને બજારોને બંધ કરી દીધા છે. આ વિરોધ પ્રદર્શન 6 નવેમ્બરથી ટીએલપીના નામના નાના ઈસ્લામિક સંગઠને શરૂ કર્યું હતું. હવે પ્રદર્શનકારીઓએ મુખ્ય હાઈવેને જામ કરી દીધો છે. જેને કારણે રોજ હજારો લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ટીએલપી કાર્યકર્તાઓ અલ્પસંખ્યક અહમદી સમુદાય પ્રતિ નરમ વલણને લઈને સંઘીય અને પ્રાંતીય કાયદા પ્રધાન જાહિદ હમીદ અને રાણા સનાઉલ્લાહની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા હતા.બીજી તરફ પાકિસ્તાનના દક્ષિણ પશ્વિમી શહેર કવેટામાં શનિવારે એક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા.