નવી દિલ્હીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ગઈ કાલે ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ડોમિનિકાની હાઇકોર્ટના આદેશ પછી ચોકસીને દેશમાં ગેરકાયદે ઘૂસવાના આરોપોનો જવાબ આપવા માટે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ પછી કેરેબિયન ટાપુના રાષ્ટ્રમાં ગેરકાયદે પ્રવેશના આરોપોમાં પોતે દોષી નહીં હોવાની વિનંતી કરી હતી. ચોકસીના વકીલે કહ્યું હતું કે આરોગ્યને આધારે તેને જામીન આપવા જોઈએ એવી દલીલ કરી હતી.
ચોકસી એન્ટિગુઆ અને બારબુડામાં કેટલાક દિવસો માટે લાપતા થયો હતો અને 26 મેએ ડોમિનિકાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ભારતથી ભાગ્યા પછી જાન્યુઆરી, 2018થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહી રહ્યો હતો. હીરાનો વેપારી પોલીસ સુરક્ષામાં હોસ્પિટલમાં રહેશે. આ મામલાની સુનાવણી 14 જૂન સુધી સ્થગિત કરવામાં આવી છે. ડોમિનિકાની હાઇકોર્ટમાં મેહુલ ચોકસી દ્વારા પ્રત્યાર્પણની સામે હેબિયસ કોર્પસની અરજી પર સુનાવણી કરતાં તેને સ્થગિત કરવામાં આવી હતી. હાઇકોર્ટની સુનાવણી વખતે ચોકસીના વકીલે દલીલ કરી હતી કે ડોમિનિકા પોલીસની હિરાસતમાં ખુદને સુરક્ષિત નથી અનુભવતો. હું એન્ટિગુઆમાં પરત ફરવા માટે ચુકવણી કરવા તૈયાર છું, એમ તેણે હાઇકોર્ટને કહ્યું હતું.
બીજી બાજુ ડોમિનિકાની સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ભારતમાં રૂ. 13,500 કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં મેહુલ ચોકસીને ભારત મોકલવો જોઈએ. ડોમિનિકન પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસે હાઇકોર્ટને સમક્ષ રજૂઆત કરી છે કે ચોકસી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સ્વીકાર યોગ્ય નથી, એટલે એ અરજી પર સુનાવણી ના થવી જોઈએ.
મેહુલ ચોકસીની પત્નીનું કહેવું છે કે ચોકસીને એન્ટિગુઆ મોકલવો જોઈએ.