નવી દિલ્હીઃ ખાલિસ્તાનની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ફરી એક વાર ભારતની વિરુદ્ધ કામગીરી શરૂ કરી છે. તેણે 1984નાં શીખવિરોધી તોફાનોની 40મી વર્ષગાંઠે એર ઇન્ડિયાના વિમાન ઉડાડવાની ધમકી આપી છે. પન્નુની આ ધમકી એવા સમયમાં આવી છે, જ્યારે ભારતમાં વિમાન કંપનીઓને છેલ્લા કેટલાક દિવસોમાં 100થી વધુ ધમકીઓ મળી છે.
આગામી દિવસોમાં શીખવિરોધી રમખાણોની 40મી વર્ષગાંઠ છે ત્યારે તેનું કારણ આપીને પન્નુને લોકોને એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવા ચેતવણી ઉચ્ચારી છે અને તેની તારીખ પણ જાહેર કરી દીધી છે- જે પહેલી નવેમ્બરથી 19 નવેમ્બર વચ્ચેની છે. તાજેતરમાં ભારતમાં 100થી વધુ ફ્લાઈટમાં બોમ્બ હોવાની વારંવાર ચેતવણીઓ મળી છે ત્યારે પન્નુનની ચેતવણી ખાસ કરીને એર ઈન્ડિયા માટે છે.ગુરપતવંત સિંહ પન્નુને શીખ ફોર જસ્ટિસ નામનું સંગઠન સ્થાપ્યું છે અને તે કેનેડા તથા અમેરિકાની ડ્યુઅલ સિટિઝનશિપ ધરાવે છે, ગયા વર્ષે પણ તેણે આવી જ ધમકી આપી હતી, પરંતુ કંઈ થયું ન હતું. નવેમ્બર 2023માં પણ પન્નુને એક વીડિયો રિલીઝ કર્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવામાં આવશે અને લોકોએ પણ નવેમ્બરમાં આ એરપોર્ટનો ઉપયોગ ન કરવો, કારણ કે ગમે ત્યારે હુમલો થઈ શકે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તેની સામે ક્રિમિનલ ષડયંત્ર ઘડવાનો અને ધર્મને આધારે લોકો વચ્ચે નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.
આ વર્ષે આ પહેલાં આ વર્ષે 26મી જાન્યુઆરીએ પન્નુને પંજાબના CM ભગવંત માન અને પંજાબના DGPની પણ હત્યા કરવાની ધમકી આપી હતી.