ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનાં પુત્રી સુકમાવતી હિન્દુ-ધર્મ અપનાવશે

જાકાર્તાઃ સનાતન હિન્દુ ધર્મનો પ્રસાર વિશ્વઆખામાં વધી રહ્યો છે. હવે ઇન્ડોનેશિયાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતી સુકર્ણોપુત્રીએ ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો છે. 26 ઓક્ટોબરે તેઓ ધર્માંતરણની પૂજામાં સામેલ થશે અને એ પછી તેઓ હિન્દુ ધર્મ અપનાવશે, એમ અહેવાલ કહે છે. મંગળવારે સુકર્ણો હેરિટેજ એરિયામાં એ કાર્યક્રમ થશે. સુકમાવતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેગાવતી સુકર્ણોપુત્રીની નાની બહેન છે. 70 વર્ષીય સુકમાવતી સુકર્ણોપુત્રી ઇન્ડોનેશિયામાં જ રહી રહ્યાં છે. 2018માં કટ્ટરપંથી ઇસ્લામિક જૂથોએ તેમની ઇશનિંદાની ફરિયાદ દાખલ કરાવી હતી.  

પ્રાપ્ત માહિતી મુજબ સુકમાવતીએ હાલમાં એક કવિતા શેર કરી હતી, જેને લઈને કટ્ટરપંથી ભડકી ગયા હતા. તેમણે સુકમાવતી કઠેડામાં ઊભા કરતાં ઇસ્લામનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના પછી તેમને કવિતા માટે માફી માગવાની પણ માગ હતી. જોકે વિવાદ શમવાનું નામ નથી લેતો. તેમની વારંવાર તેમની ટીકા થતી રહી છે. ઇન્ડોનેશિયામાં સૌથી વધુ મુસ્લિમોની વસતિ છે. તેમ છતાં સુકમાવતીના પિતા સુકર્ણોના દોરમાં ભારત ઇન્ડોનેશિયાના સંબંધ સારા હતા.

સુકમાવતીના વકીલ વિટારિયોનો રેજસોપ્રોજોએ જણાવ્યું હતું કે એનું કારણ તેમની દાદીનો ધર્મ છે. સુકમાવતીએ હિન્દુ શાસ્ત્રનો સારો અભ્યાસ કર્યો છે. બાલીના પ્રવાસમાં સુકમાવતીએ વારંવાર હિન્દુ ધાર્મિક સમારંભોમાં સામેલ થયાં હતાં. 26 ઓક્ટોબરે બાલી અગુંગ સિંગરાજામાં શુદ્ધિ વદાની નામનો કાર્યક્રમ હશે, જ્યાં તેઓ હિન્દુ ધર્મ અપનાવશે. તેમના પરિવારના સભ્યો પણ માની ગયા છે.