સિઓલ- દક્ષિણ કોરિયા અને અમેરિકાના અધિકારીઓએ બન્ને દેશો વચ્ચે પૂર્વનિર્ધારિત સૈન્યઅભ્યાસને રદ કરવાની સ્પષ્ટતા કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથેની સિંગાપોરમાં સમિટમાં આ અંગેની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે ઉત્તર કોરિયાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં દક્ષિણ કોરિયામાં મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો તહેનાત છે.દક્ષિણ કોરિયાએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સૈન્ય અભ્યાસ રદ થવાને કારણે આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારો ફ્રીડમ ગાર્ડિયન સૈન્ય અભ્યાસ પણ પ્રભાવિત થશે. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ કોરિયા અને અમેરિકા ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા ચાલુ રાખશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં કરવામાં આવનારા સૈન્ય અભ્યાસને લઈને હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં લગભગ 17 હજાર 500 અમેરિકન સૈનિકો ભાગ લેવાના હતા. પેન્ટાગોનના પ્રવક્તા ડાના વ્હાઈટે વર્તમાન સૈન્ય અભ્યાસ રદ કરવાની સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘અમે વધારાની કાર્યવાહી પર સંકલન કરી રહ્યાં છીએ’. જોકે ભવિષ્યના સૈન્ય અભ્યાસ અંગે અત્યારથી કંઈ કહી શકાય નહીં.
અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટિસે જણાવ્યું કે, કોરિયાઈ ટાપુની બહાર સૈન્ય અભ્યાસો પર કોઈ પ્રભાવ નહીં પડે. આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટિસ, વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટન આ સપ્તાહે પેન્ટાગોનમાં મળશે.