મુશર્રફ-અબ્બાસી બાદ હવે પાક. ચૂંટણી પંચે ઈમરાન ખાનનું ઉમેદવારી પત્ર રદ કર્યું

0
888

ઈસ્લામાબાદ- પાકિસ્તાન ચૂંટણી પંચે પાકિસ્તાનના તહરીક-એ-ઇનસફ પાર્ટીના વડા ઈમરાન ખાનના ઉમેદવારી પત્રને રદ કર્યું છે. આ પહેલાં પાકિસ્તાન ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી અને પૂર્વ રાષ્ટ્રપતિ અને સૈનિક શાસક પરવેઝ મુશર્રફના નામાંકન પત્રો પણ રદ કર્યા હતા.પાકિસ્તાનના એક અખબારના અહેવાલ પ્રમાણે ચૂંટણી અધિકારીએ ઈસ્લામાબાદના NA-53 માટે અબ્બાસી અને તેના વૈકલ્પિક ઉમેદવાર સરદાર મહતાબના ઉમેદવારી પત્ર રદ કર્યા હતા. ઉપરોક્ત બન્ને ઉમેદવાર ચૂંટણી પંચ સમક્ષ જરુરી સોગંદનામું રજૂ કરી શક્યા નહતા. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ અબ્બસીએ તેમના દસ્તાવેજો સાથે આવકવેરો ભર્યાની વિગતો જમા કરી નહતી.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પાકિસ્તાન ચૂંટણી પંચ પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફના ઉમેદવારી પત્રને પણ રદ કરી ચુક્યું છે. મુશર્રફે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તરી ચિત્રાલ જિલ્લામાંથી ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પેશાવર હાઈકોર્ટે વર્ષ 2013માં મુશર્રફને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો અને તેના આધારે જ મુશર્રફનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.

પરવેઝ મુશર્રફ 22 જૂન સુધીમાં તેમનું ઉમેદવારી પત્ર રદ થવા સામે અપીલ કરી શકે છે. આ ઉપરાંત અબ્બીસી સહિતના અન્ય ઉમેદવારોએ જણાવ્યું છે કે, તેઓ ચૂંટણી પંચના ચુકાદોને પડકાર આપશે. ટ્રિબ્યુનલ 27 જૂન સુધીમાં ઉમેદવારોની અપીલ પર ચુકાદો સંભળાવશે. સાથે જ યોગ્ય ઉમેદવારોની યાદી 28 જૂને પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર પાછું ખેચવાની છેલ્લી તારીખ 29 જૂન રાખવામાં આવી છે. ઉમેદવારોની અંતિમ યાદી 30 જૂને પ્રકાશિત કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આગામી 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. હાલમાં પાકિસ્તાનમાં કાર્યવાહક સરકાર સત્તામાં છે. પાકિસ્તાનમાં આ સતત બીજીવાર થયું છે જ્યારે ચૂંટાયેલી સરકારે તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી છે. પાકિસ્તાનમાં કુલ 10.5 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં આશરે 6 કરોડ પુરુષ મતદાતા અને 4.6 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.