ટ્રમ્પ બનાવશે ‘સ્પેસ ફોર્સ’, અંતરિક્ષમાં પ્રભુત્વ સ્થાપિત કરવા USની તૈયારી

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રક્ષા મુખ્યાલય પેન્ટાગોનને નવી અમેરિકન સ્પેસ ફોર્સ તૈયાર કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન સેનાની આ છઠ્ઠી શાખા હશે અને તે અંતરિક્ષમાં પણ અમેરિકાના પ્રભુત્વને સુનિશ્ચિત કરશે.ટ્રમ્પ જણાવ્યું કે, ‘મેં સંરક્ષણ વિભાગ અને પેન્ટાગોનને લશ્કરી દળની છઠ્ઠી શાખા તરીકે સ્પેસ ફોર્સ તૈયાર કરવાની આવશ્યક પ્રક્રિયા તુરંત શરુ કરવા આદેશ આપ્યો છે’. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, ‘અમારી પાસે એર ફોર્સ છે, પરંતુ અમે અલગ સ્પેસ ફોર્સ તૈયાર કરવા આગળ વધી રહ્યા છીએ’.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યારે સંરક્ષણની વાત હોય ત્યારે અંતરિક્ષમાં અમેરિકાની હાજરી પૂરતી નથી, અમારે અંતરિક્ષમાં અમારું પ્રભુત્વ વધારવું પણ જરુરી છે. જોકે, સ્પેસ ફોર્સ અથવા અંતરિક્ષ દળની ભૂમિકા વિશે હાલમાં કોઈ વિગતવાર વિવરણ ઉપલબ્ધ નથી.

નેશનલ સ્પેસ કાઉન્સિલના એક કાર્યક્રમને સંબોધન કરતા ટ્રમ્પએ વાણિજ્યિક ટ્રાફિકના નિરીક્ષણ દ્વારા અવકાશમાં અમેરિકન હિતોનું રક્ષણ કરવાની આ યોજનાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ‘આ યોજના રોજગારી માટે તો ઉત્તમ છે જ, પરંતુ એ ઉપરાંત પણ અન્ય બાબતોમાં સારી છે. આ યોજના આપણા દેશના મનોવિજ્ઞાન માટે ખૂબ સારી છે’.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ આ પહેલા પણ સ્પેસ ફોર્સ એટલે કે અંતરિક્ષ સૈન્યનું નિર્માણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ટ્રમ્પની આ જાહેરાતને અમેરિકામાં ક્લિન્ટન યુગની પ્રમાણિક શરુઆત તરીકે જોવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં અવકાશ સંશોધન પર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો.