પેશાવરઃ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પેશાવરમાં મનમોહન સિંહ (34) પર ગુલદારા ચોક કાકશાલની પાસે હથિયારધારી લોકોએ હુમલો કર્યો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે ડોકટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
મનમોહન રશીદ ગઢીથી પેશાવર તરફ જઈ રહ્યો હતો. આ ઘટના યક્કા તૂત પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. છેલ્લા 48 કલાકમાં યક્કા તૂત વિસ્તારમાં કોઈ પણ શીખ વ્યક્તિ પર હુમલો થયાની આ બીજી ઘટના છે. ગયા શુક્રવારે એક શખસને પગમાં ગોળી મારવામાં આવી હતી, જેમાં તે વ્યક્તિ ઘાયલ થઈ હતી. ગયા માર્ચમાં હુમલાખોરોએ શીખ વેપારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પેશાવરમાં આશરે 15,000 શીખ સમાજના લોકો રહે છે, એમાં મોટા ભાગના લોકો પેશાવરના જોગન શાહ પડોસમાં રહે છે. અહીં શીખ સમાજના મોટા ભાગના લોકો વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે કેટલાકની ફાર્મસી પણ છે.
આ પહેલાં શુક્રવારે પેશાવરમાં તરલોક સિંહ નામના શીખ દુકાનદારને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી હતી, પણ તે બચવામાં સફળ રહ્યો હતો. માનવતાવાદી જૂથ યુનાઇટેડ શીખના ટ્વિટર પર આ ઘટના વિશે ટ્વીટ કરવામાં આવ્યું હતું. એ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે મનમોહન સિંહ પેશાવરના રશીદ ગઢીમાં એક કરિયાણાની દુકાન ચલાવતો હતો અને તે પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતી. શીખો 1947થી પાકિસ્તાનમાં શાંતિથી અલ્પસંખ્યક તરીકે રહી રહ્યા છે. 300 શીખ પરિવાર સતત હિંસાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.