સિન્ડેલફિન્જેન (જર્મની): સ્ટટગાર્ડ નજીક આવેલા સિન્ડેલફિન્જેન શહેરમાં આવેલા મર્સિડીઝ-બેન્ઝ કારની ફેક્ટરીમાં આજે એક શખ્સે ગોળીબાર કરતાં બે જણના મરણ થયા છે. હુમલાખોર 53 વર્ષનો છે અને તેને પકડી લેવામાં આવ્યો છે. પ્લાન્ટ ખાતે ગોળીબાર થયાની પોલીસને આજે સવારે સ્થાનિક સમય મુજબ 7.45 વાગ્યે જાણ કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું છે કે ફેક્ટરીમાં કર્મચારીઓ પર હવે કોઈ ખતરો નથી. હુમલાખોરના ઈરાદા વિશે તત્કાળ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.
મર્સિડીઝ-બેન્ઝના મેનેજમેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે પ્લાન્ટ ખાતે બે જણના મૃત્યુની ઘટનાથી તેને દુઃખ થયું છે અને ઘેરો આઘાત લાગ્યો છે. મૃતકો, એમના પરિવારજનો તથા પ્લાન્ટ ખાતેના સહયોગીઓ પ્રતિ અમારી સંવેદના છે.
સિન્ડેલફિન્જેન પ્લાન્ટમાં આશરે 35,000 કામદારો કામ કરે છે. તેઓ ઈ-ક્લાસ, એસ-ક્લાસ લક્ઝરી કાર અને સીએલએસ તથા જીએલસી કૂપે કારનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત આ પ્લાન્ટમાં પ્લાનિંગ, પરચેસિંગ અને ડેવલપમેન્ટ તેમજ ડિઝાઈન વિભાગો પણ આવેલા છે.