PM મોદીના ‘ટ્વીટ’નો શહબાઝ શરીફે આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલના સમયે પૂરનો સામનો કરી રહ્યું છે છેલ્લા 10 દિવસોમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એક તૃતીયાંશ પાકિસ્તાન પૂરને કારણે પાણીમાં ગરકાવ છે. પૂરને લીધે અત્યાર સુધી 1100 લોકોનાં મોત થયાં છે. 10 લાખથી વધુ લોકો ઘરવિહોણા થઈ ગયા છે. હાલ આશરે ત્રણ કરોડ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. જેથી વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનમાં આવેલા પૂર પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પીડિતો, ઘાયલો અને કુદરતી આફતથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રતિ મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું અને સામાન્ય સ્થિતિ થાય એવી અપેક્ષા છે. જેના તરત બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે વડા પ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂરને કારણે માનવીય અને ભૌતિક નુકસાન પર દુઃખ વ્યક્ત કરવા માટે ધન્યવાદ આપું છું.

ઇન્શાલ્લાહ વિશિષ્ટ ગુણોની સાથે પાકિસ્તાનના લોકો આ કુદરતી આફતના પ્રતિકૂળ અસરને દૂર કરશે અને પોતાના જીવન અને સમુદાયનું પુનર્નિમાણ કરશે.

પાકિસ્તાનમાં આ પૂરથી સાત લાખથી વધુ પશુઓનાં મોત થયાં છે. આ પૂરથીને લીધે પાકિસ્તાનના 3000 કિલોમીટર રસ્તા પાણીમાં વહી ગયા છે. જેથી લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૂરને કારણે સિંધ, બલૂચિસ્તાન, ખૈબર-પખ્તૂનખ્વા અને પંજાબ પર પ્રતિકૂળ અસર પડી છે. અહીં આશરે 20 લાખ એકરમાં પાક નષ્ટ થઈ ચૂક્યો છે. જેથી પાકિસ્તાન સકારને દેશમાં રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરી છે.