વિદેશપ્રધાને UAEમાં હિન્દુ મંદિરની મુલાકાત લીધી

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતના પાટનગર અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું બાંધકામ પુરજોશમાં ચાલુ છે. વિદેશપ્રધાન એસ. જયશંકર UAEની ત્રણ દિવસની યાત્રાએ છે, ત્યારે તેમણે ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ મંદિર બાંધકામમાં થઈ રહેલા ઝડપી કામકાજથી આનંદ વ્યક્ત કર્યો હતો.

અબુ ધાબીમાં આ પરંપરાગત હિન્દુ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિરની મુલાકાત લીધા પછી તેમણે ટ્વીટ કર્યું હતું કે ગણેશ ચતુર્થી પર અબુધાબીમાં નિર્માણાધીન@BAPS હિન્દુ મંદિરના દર્શનનો લહાવો મળ્યો. એ મંદિરના ઝડપી કામકાજની પ્રગતિ જોઈને આનંદ થયો અને બધા સામેલ લોકોની ભક્તિ જોઈ ખુશી થઈ. આ પ્રસંગે BAPSની ટીમ, સ્વામિનારાયણ સમાજના અનુયાયીઓ અને ભક્તો તથા કાર્યકતો સાથે મુલાકાત પણ થઈ.

વિદેશપ્રધાને આ મંદિરને શાંતિ સહિષ્ણુતા અને સદભાવનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે આ પ્રતિષ્ઠિત મંદિરના બાંધકામમાં સહયોગ કરવાવાળા બધા ભારતીયોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વિશ્વના હજ્જારો ભક્તો, શુભ ચિંતકો અને દાતાઓએ વર્ષ 2018માં અબુધાબીના અબુ મુરીખેહ વિસ્તારમાં મંદિરના શિલા પૂજન સમારોહમાં ભાગ લીધો હતો. આ મંદિરની આધારસિલા મૂકવામાં આવ્યા બાદ વિશ્વના અનેક લોકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી.

વિદેશપ્રધાને નિર્માણાધીન મંદિરની મુલાકાત પછી UAE સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે ડો. એસ. જયશંકરની યાત્રાની શુભ શરૂઆત. તેમણે આં મંદિરના આર્કિટેક્ચરમાં એક ઇંટ મૂકી હતી. તેમણે મંદિરના નિર્માણમાં બધા ભારતીયોના પ્રયાસોની પ્રશંસા કરી, જે એક પ્રતીક છે શાંતિ, સહિષ્ણુતા અને સદભાવનું.