કેનબેરા- ઓસ્ટ્રેલિયાના નાણાપ્રધાન સ્કોટ મોરિસનને દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. જેઓ માલ્કમ ટર્નબુલનું સ્થાન લેશે. વડાપ્રધાનના પદેથી હટાવવામાં આવેલા નેતા માલ્કમ ટર્નબુલના નિકટના સહયોગી માનવામાં આવતા સ્કોટ મોરિસન પાર્ટીની અંદર કરવામાં આવેલી ચૂંટણીમાં 45 મત મેળવી વિજેતા જાહેર કરાયા હતા. તેમના વિરોધીને 40 મત મળ્યા હતા.માલ્કમ ટર્નબુલના એક અન્ય સહયોગી અને વિદેશપ્રધાન જુલી બિશપ પણ વડાપ્રધાન પદની સ્પર્ધામાં હતા. પરંતુ તેઓ પ્રથમ તબક્કામાં જ બાહર નીકળી ગયા હતાં. આ ઉપરાંત પૂર્વ ગૃહપ્રધાન પીટર ડટનનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 11 વર્ષમાં છઠ્ઠા વડાપ્રધાન પસંદ કર્યા છે. આ અગાઉ માલ્કમ ટર્નબુલે જણાવ્યું હતું કે, તેમને એક અરજી મળી હતી. જેમાં જણાવાયું હતું કે, તેમણે પોતાની પાર્ટીમાં બહુમતી ગુમાવી છે. આ સંજોગોમાં તેમની પાર્ટીએ નવો નેતા પસંદ કરવાનો નિર્ણય કર્યો છે.
આપને જણાવી દઈએ કે, ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા બાદ લેબર પાર્ટીએ સેનેટમાં ફરીવાર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને અચાનક ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.